Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

સામાન્ય બાબતમાં પણ રાજદ્રોહની કલમ 124 A લગાડવાનો ટ્રેન્ડ થઇ ગયો છે : કંગના રનૌત અને તેની બહેન રંગોલીને વચગાળાની રાહત મંજુર કરતી વખતે મુંબઈ હાઇકોર્ટની ટકોર : મુંબઈ પોલીસે દાખલ કરેલી એફઆઈઆર સંદર્ભે બંને બહેનો ઉપર જબરજસ્તી નહીં કરવાની હાઇકોર્ટની સૂચના : 8 જાન્યુઆરી 2021 સુધીમાં પોલીસ સમક્ષ હાજર થવા બંને બહેનોને આદેશ

મુંબઈ : કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલ વિરુદ્ધ મુંબઈ પોલીસે એફઆરઆઇ નોંધી છે.જે અંતર્ગત તેઓને બે વખત પોલીસ સ્ટેશનમાં હાજર થવા સમન્સ પાઠવાયું હતું . પરંતુ આ બંને બહેનોએ તેઓ હિમાચલ પ્રદેશમાં પરિવારમાં લગ્ન પ્રસંગમાં રોકાયેલા હોવાથી હાજર નહીં રહી શકે તેવો જવાબ પાઠવ્યો હતો.

આથી મુંબઈ પોલીસે ત્રીજું અને આખરી સમન્સ પાઠવી હાજર થવા જણાવ્યું હતું જેના અનુસંધાને બંને બહેનોએ મુંબઈ હાઇકોર્ટમાં પિટિશન કરી તેઓ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર અંતર્ગત પોલીસ દ્વારા જબરજસ્તી ન થાય અને હાલની તકે તે અટકાવી દેવામાં આવે તેવી અરજ ગુજારી  હતી.જેના અનુસંધાને નામદાર કોર્ટે સરકારી વકીલને ટકોર કરી પૂછ્યું હતું કે આ કેસમાં રાજદ્રોહ સિવાયની કલમ લગાડી શકાય કે કેમ તે તપાસ કરી જણાવો .નામદાર કોર્ટે ટકોર કરતા ઉમેર્યું હતું કે સામાન્ય બાબતમાં પણ રાજદ્રોહની કલમ લગાડવાનો ટ્રેન્ડ થઇ ગયો છે.

નામદાર કોર્ટે એફઆઈઆર વિરુદ્ધ વચગાળાની રાહત આપી બન્ને બહેનોને 8 જાન્યુઆરી 2021 સુધીમાં મુંબઈ  પોલીસ સ્ટેશનમાં હાજર થવા અને ત્યાં સુધી કોઈપણ પ્રકારની કોમેન્ટથી દૂર રહેવા આદેશ કર્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:44 pm IST)