Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ગુજરાતી બચાવો-બચાવોની બૂમો ન પાડો, ગુજરાતીપણાને વધુ જોમ જુસ્સાથી દુનિયાની સામે લાવોઃ અભિનેતા મેહુલ બુચ

યુવા સરકાર ફિલ્મના શો માટે જામનગર આવેલા સુવિખ્યાત અભિનેતા મેહુલ બુચ અને એન્કર દિગ્દર્શક વિરલ રાચ્છનો રસપ્રદ સરપ્રાઇઝ વાર્તાલાપ 'અકિલાન્યુઝ.કોમ-ગુજરાત્રી'ના માધ્યમથી લાઇવ થતાં જોડાઇ ગયા અસંખ્ય ગુજરાતીઓ : કોઇપણ ક્ષેત્રમાં પ્રમાણિક કામ થતું હોય તો ત્યારે 'અકિલા' તેને સતત પ્રોત્સાહિત કરે છે, પ્રેક્ષકો હવે ફરીથી નોર્મલ રીતે નિયમોનું પાલન કરી થિએટર, સિનેમા હોલમાં આવતાં થઇ જાય એ ખુબ જરૂરીઃ વિરલ રાચ્છ : હું જે પ્લેટફોર્મ પરથી અત્યારે તમારી સામે રજૂ થયો છું એ 'અકિલા'ની, સરસ મજાની ફિલ્મ યુવા સરકાર અને અન્ય ગુજરાતી પ્રવૃતિઓ સાથે મિડીયા પાર્ટનર તરીકે જોડાવાની જે 'પરંપરા' શરૂ થઇ છે, એ માટે હું એક અભિનેતા તરીકે નહિ પણ એક ગુજરાતી તરીકે 'અકિલા'નો નતમસ્તકે આભાર માનુ છું: મેહુલ બુચ : પ્રેક્ષકો વગર એકટર અધૂરો છે, બાવડા પર વેકસીન લાગે એના કરતાં મગજ પર એનર્જીની, પોઝિટિવીટીની વેકસીન તમારી જાતે જ લગાવોઃ કોરોનાથી ડર્યા વગર હવે ફરીથી નાટકો જોવા, ફિલ્મો જોવાની શરૂઆત કરોઃ મેહુલ બુચઃ લોકડાઉન પછી હિમ્મત પુર્વક પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જેના આવતીકાલે ૨૬ જાન્યુઆરીએ ૭૫ દિવસ પુરા થઇ રહ્યા છેઃ મેહુલ બુચે કહ્યું-આ ફિલ્મે મને નવી જ એનર્જી આપી છે, સોૈએ આ પ્રમાણિક ફિલ્મ નિહાળવી જ રહી

રાજકોટ તા. ૨૫: 'ગુજરાતી બચાવો બચાવોની બૂમો ન પાડો, ગુજરાતીને સાચવો, જોમ જુસ્સાથી દુનિયાની સામે લાવો...ગુજ્જુ નહિ ગુજરાતી જ શબ્દ રાખો...જો તમારે કળાના ફિલ્ડમાં આગળ વધવું છે તો સ્ટ્રગલ શબ્દને મનમાંથી કાઢીને ફેંકી દો...'અકિલા'ગુજરાતી માટે જે કરી રહ્યું છે, જે પરંપરા શરૂ કરી છે, એના માટે એક અભિનેતા તરીકે નહિ, પણ ગુજરાતી તરીકે 'અકિલા'નો નતમસ્તક આભાર માનુ છું'...આવ વાતો કહી હતી ગુજરાતી રંગમંચ, ફિલ્મો અને હિન્દી ફિલ્મોના અભિનેતા શ્રી મેહુલ બુચે. ગુજરાતનું ગોૈરવ એવી ગુજરાતી ફિલ્મ 'યુવા સરકાર'ના ખાસ શો માટે રવિવારે જામનગર પહોંચેલા આ સુવિખ્યાત અભિનેતા 'અકિલાન્યુઝ.કોમ ફેસબૂક લાઇવ-ગુજરાત્રી'ના માધ્યમથી એન્કર દિગ્દર્શક વિરલ રાચ્છ સાથે એક સરપ્રાઇઝ લાઇવ વાર્તાલાપમાં જોડાયા હતાં અને શ્રી વિરલ રાચ્છના સવાલોના જવાબો આપ્યા હતાં.ં શ્રી મેહુલ બુચે ગુજરાતીઓની છાતી ગદગદ ફુલી જાય તેવી વાતો કરી હતી તો કળા ક્ષેત્રે આગળ વધવા ઇચ્છતી આજની જનરેશનને શું કરવું જોઇએ તેની સરસ માહિતી આપી હતી. તેમજ સોૈરાષ્ટ્ર સાથે જોડાયેલા પોતાના રસપ્રદ અનુભવની પણ જબરદસ્ત વાત રજૂ કરી હતી. આવો માણીએ આ અહિ આપણે વિરલ રાચ્છના સવાલો અને મેહુલ બુચના જવાબોની મેજબાની.

વિરલ રાચ્છનો સવાલઃ કોરોના પછી એક એકટરનું સ્ટ્રગલ કેવું છે, નવી રંગભુમિ કે ફિલ્મોને કઇ રીતે આગળ વધારી શકાય?

મેહુલ બુચનો જવાબઃ  કોરોનામાં જે કંઇપણ થયું, કેટલુ ભોગવ્યું એની ચર્ચા નથી કરવી, હવે વેકસીન આવી ગઇ છે...પહેલી વેકસીન હાથ પર લાગે એના કરતાં તમારા મગજમાં પણ એક વેકસીન જાતે જ મારો. આ વેકસીન નવી એનર્જીની અને પોઝિટિવિટીની છે, જે તમારે પોતે જ મારવાની છે. આપણે બધા ફાઇટર્સ છીએ એટલે જ એક વર્ષ લડીને જીતી ગયા છીએ. સરહદ પર હવે માત્ર ઝંડો ફરકાવવાની જ વાર છે. લડી લઇએ, ટુંક સમયની અંદર બધુ રાબેતા મુજબ થઇ જશે. એકટર તરીકે એટલુ જ કહીશ કે સિનેમા, નાટકો ચાલુ થયા છે પરંતુ અમે પ્રેક્ષકોને અમે મીસ કરીએ છીએ, પ્રેક્ષકો ફરીથી આવી જાય...થીએટરમાં આવવાનું છે પછી એ નાટક હોય કે ફિલ્મો હોય. પ્રેક્ષકો વગર એકટર અધુરો છે. એક એકટર તરીકે તમારા પર મારો અને મારા પર તમારો હક છે. એ હકથી, એ વ્હાલથી, એ પ્રેમથી કહુ છું કે થિએટરમાં હવે આવી જાવ, હવે ડરવાની જરૂર નથી. કારણ કે તમામ સાવચેતીના પગલા લેવાઇ રહ્યા છે.

જવાબના અંતે વિરલ રાચ્છે કહ્યું હતું કે મેહુલ બુચ મુંબઇમાં રંગભુમીમાં ૩૧ વર્ષથી અભિનય કરી રહ્યા છે. રવિવારે તો મુંબઇમાં નાટકના બે શો હોય. નવ મહિનાથી રવિવારની બપોર મેહુલભાઇ મીસ કરી રહ્યા છે. માટે પ્રેક્ષકોને અનુરોધ કે ગુજરાતમાં ગુજરાતી ભાષાનું કોઇપણ નાટક આવે તો જોવા અચુક આવજો.

વિરલ રાચ્છઃ યુવા સરકાર શા માટે જોવી જોઇએ?

મેહુલ બુચઃ 'યુવા સરકાર' એ લોકડાઉન પછી હિમ્મત પુર્વક રિલીઝ થનારી પહેલી ગુજરાતી ફિલ્મ છે, રાજકોટમાં જેનું શુટીંગ થયું છે એવી પહેલી ફિલ્મ છે, આ ફિલ્મમાં કામ કરનારા લેખક દિગ્દર્શક અભિનેતાઓ માંડી ૯૭ ટકા લોકો પહેલીવખત ફિલ્મ ક્ષેત્રે કામ કરી રહ્યા છે. આમ અહિ પહેલુ પહેલુ પહેલુ...ઘણું બધુ છે. લોકડાઉન પછી પહેલી એવી ફિલ્મ છે જેના  ૨૬ જાન્યુઆરીએ ૭૫ દિવસ પુરા થઇ રહ્યા છે. ફિલ્મમાં હું છું એટલે નહિ પણ અત્યંત પ્રામાણિક ફિલ્મ છે, સોશિયલ મિડીયા પર સોૈએ ખુબ સારુ લખ્યું છે. તમારે પણ ફિલ્મ જોવા આવવાનું છે. એક અદ્દભુત નવો વિચાર અને પ્રમાણિકતાથી બનેલી ફિલ્મ છે. ગુજરાતી છું એટલે ગુજરાતી પ્રેક્ષકોને કહીશ કે આવવું જ પડશે તમારે.

વિરલ રાચ્છે જવાબ બાદ કહ્યું કે- પ્રમાણિક ફિલ્મ છે અને પ્રમાણિક અખબાર 'અકિલા' એ આ ફિલ્મનું મિડીયા પાર્ટનર છે, એ કારણે પણ તમારે આ ફિલ્મ જોવી રહી. જીવનના કોઇપણ ક્ષેત્રમાં પ્રમાણિક કામ થતું હોય તો ત્યારે 'અકિલા' તેને સતત પ્રોત્સાહિત કરે છે.

વિરલ રાચ્છઃ મેહુલભાઇ તમારી પાંચ ફેવરીટ ગુજરાતી અને પાંચ ફેવરીટ હિન્દી ફિલ્મો કઇ?

મેહુલ બુચઃ ગુજરાતીની પાંચ ફિલ્મોમાં મને હેલ્લારો, રેવા, ઢ, વેન્ટીલેટર અને યુવા સરકાર ખુબ જ ગમે છે. (યુવા સરકાર સાથે હું સતત જોડાયેલો રહીશ, કારણ કે મને તેના થકી નવી એનર્જીનો અનુભવ થયો છે.) હિન્દીમાં મને ગમતી પાંચ ફિલ્મોમાં સારાંશ, ૨૬/૧૧, વેન્સડે, અભિમાન અને યહુદીને હું સામેલ કરુ છું.

વિરલ રાચ્છઃ સોૈરાષ્ટ્રના કોઇ યાદગા અનુભવ વિશે જણાવી શકો?

મેહુલ બુચઃ સોૈરાષ્ટ્રમાં સોૈથી મોટો સ્પર્શ કરી ગયેલો અનુભવ હોય તો એ છે નારી તું ન હારી શોના મારા હું વિલનનો રોલ સાથે જોડાયેલો અનુભવ. મારુ  દિનેશ નામનું વિલનનું પાત્ર એ વખતે ખુબ જ પ્રખ્યાત થયું હતુ. હું વિરપુર દર્શને આવ્યો હતો. દર્શન બાદ સાંજના સમયે એક પાળી પર બેસી  બૂટની દોરી બાંધતો હતો, ત્યારે પીઠ પર ખીલ્લાવાળી મોજડીનો ફટકો પડ્યો. મેં પાછળ જોયું તો આશરે ૯૫ વર્ષના એક માજી મને શુધ્ધ કાઠીયાવાડી તળપદી ગાળો આપતાં હતાં, માર મારતા'તા અને કહેતાં હતાં કે તું મુવો મરેલો એ જ દિનેશ છે જે બધાના સંસાર બગાડે છે. એ પછી હું આખી ગલી પસાર કરી મારી કાર સુધી પહોંચ્યો ત્યાં સુધી મોજડીનો માર ખાધો. એકટર તરીકે મારી જિંદગીનો સોૈથી ઉત્તમ એવોર્ડ મને કોઇ મળ્યો હોય તો એ છે માજીએ આપેલો આ એવોર્ડ. સોૈરાષ્ટ્ર-કાઠીયાવાડનું ઓડિયન્સ આંખથી નહિ, દિલથી નાટક જૂએ છે. દિલથી દાદ આપે છે.

વિરલે અપિલ કરી હતી કે પ્રેક્ષકો હવે ફરીથી નોર્મલ રીતે નિયમોનું પાલન કરી થિએટર, સિનેમા હોલમાં આવતાં થઇ જાય એ ખુબ જરૂરી છે.

વિરલ રાચ્છનો સવાલઃ નવી જનરેશન કે જે એકટીંગ-કળાના ફિલ્ડમાં જવા ઇચ્છતા હોય એના માટે આપ શું કહેશો?

મેહુલ બુચનો જવાબઃ: કળાના ફિલ્ડમાં જવા માટે પહેલા તો એમ કહીશ કે જેને જવું છે એમનો વિચાર હોય ત્યાં સુધી ઠીક છે. આવા લોકોને પણ માતા-પિતા પરિવારજનોએ ખુબ સહકાર આપવો જરૂરી છે. જો તમારા ઘરમાંકોઇ કલાકાર જન્મતો હોય એ પછી સંગીતકાર, અભિનેતા કે પેઇન્ટર હોય તો એને ખુલ્લે દિલે ટેકો આપો. અહિ તમે સરસ રીતે પ્લાન મુજબ કામ કરો તો પૈસાની સાથે સાથે પ્રેમ બોનસમાં મળે છે. કોઇપણ કલા ક્ષેત્રે આવવા માંગતા હોય તો સોૈથી પહેલા તમારી લાગણી હોય એ જરૂરી છે. પેશન જ તમારું પ્રોફેશન બની જાય તો  એનાથી મોટુ ઇશ્વરનું વરદાન હોઇ જ ન શકે. અસ્હ ક્ષણે ક્ષણ તમે કામ કરતાં નથી, મોજ કરો છો.

વિરલ રાચ્છઃ અભિનય કે કળાનો રસ્તો શું સાવ સરળ હોય છે?

મેહુલ બુચઃ કોઇ રસ્તો સરળ ન હોય...તમારે કોઇપણ પ્રોફેશનમાં જવું હોય તો તેનો અભ્યાસ કરવો જ પડે. તમારે તમારી જાતને એકટર, પેઇન્ટર કે ડાન્સર કે અભિનેતા કે પછી કોઇપણ કલાકાર બનવા માટે તૈયાર કરવી પડે એ પ્રોસેસ છે. સોૈથી પહેલા તો 'સ્ટ્રગલ' નામના શબ્દને મગજમાંથી, મનમાંથી કાઢીને ફેંકી દેજો, કારણ કે એ 'સ્ટ્રગલ' નથી એ 'લર્નિંગ' છે, એક આ પ્રોસેસ છે.મહેનત વગર અહિ શોર્ટકટ ન હોય.

વિરલ રાચ્છે કહ્યું કે- 'અકિલા' સતત 'ગુજરાત્રી' પ્લેટફોર્મના માધ્યમથી ગુજરાતી સાહિત્ય, સંગીત નાટકો લોકો સુધી પહોંચાડે છે, ત્યારે આપ ગુજરાત્રીના ચાહકો, ગુજરાતી ભાષા માટે  શું સંદેશો આપવા ઇચ્છશો?

મેહુલ બુચઃ જે રીતે લોકોને હું 'અકિલા લાઇવ'માં જોડાતાં જોઇ રહ્યો છું એના પરથી પહેલા તો મને ધરપત થાય છે. હું કહીશ કે ગુજરાતી બચાવો-બચાવોની બૂમો ન પાડો,  ગુજરાતી છે એને સાચવો, આપણામાંના ગુજરાતીપણાને હજી વધારે જુસ્સાથી જોશથી દુનિયાની સામે લાવો અને હાથમાં ગુજરાતી છાપુ કે પુસ્તક પકડીને પબ્લીક પ્લેસમાં જતાં શરમ આવે એવી કોઇ વ્યકિત મળે તો એમ કહીશ કે એને સમજાવો અને જરૂર પડે તો ઠપકારો...ગર્વથી કહો હું ગુજરાતી છું. મને માના ગર્ભમાંથી મળેલી ભાષા ગુજરાતી છે, મારો પાયો ગુજરાતી છે, મારી મા ગુજરાતી છે, મારી ભાષા ગુજરાતી છે, એટલે મને હમેંશા ગુજરાતી હોવાનું ગર્વ છે અને રહેશે.

અને હા એટલુ પણ સ્પષ્ટ કહીશ કે 'ગુજ્જુ' શબ્દ વાપરવાનો બંધ કરીએ, ગુજરાતી મારો ધર્મ છે, મારું કર્મ છે, એને ગુજ્જુ ન જ કહીએ...ગુજરાતી જ રાખો.

'ગુજરાત્રી' પાયાના પથ્થર સ્વપ્નદ્રષ્ટા શ્રી નિમિષભાઇ ગણાત્રા પણ વિરલ રાચ્છ અને મેહુલ બુચના લાઇવ વાર્તાલાપમાં જોડાયા હતાં. વિરલે તેમને આવકારી આ વાર્તાલાપની લિંક ફોરવર્ડ, રી-શેર કરવા અનુરોધ કર્યોહતો.

વાર્તાલાપના અંતમાં મેહુલ બુચે કહ્યું હતું કે 'હું જે પ્લેટફોર્મ પરથી અત્યારે તમારી સામે રજૂ થયો છું એ 'અકિલા'ની સરસ મજાની ફિલ્મ યુવા સરકાર અને અન્ય ગુજરાતી પ્રવૃતિઓ સાથે મિડીયા પાર્ટનર તરીકે જોડાવાની જે પરંપરા  શરૂ થઇ  છે, એ માટે હું એક અભિનેતા તરીકે નહિ પણ એક ગુજરાતી તરીકે 'અકિલા'નો નતમસ્તકે આભાર માનુ છું.

વિરલ રાચ્છે વાર્તાલાપને વિરામ આપતાં 'અકિલા' વતી સોૈને ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી અને નવા વર્ષ ૨૦૨૧માં ગુજરાતી ભાષાને પ્રેમ કરીએ, ગુજરાતી કલાકારોને ચાહીએ, ગુજરાતી પુસ્તકો વાંચીએ, ગુજરાતી કાર્યક્રમોને ખોબલે ખોબલે બિરદાવીએ તેવો આગ્રહ અનુરોધ સોૈ ગુજરાતી સમક્ષ મુકયો હતો.

આ નોખા અનોખા વાર્તાલાપને આપ પણ માણી શકો છો...પણ એના માટે ઉપયોગ કરવો પડશે અહિ આપેલી લિંકનો...

https://fb.watch/3d288J3T9Y/

(11:16 am IST)