Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

પ્રજાસતાક પર્વે દિલ્હીમાં વીજ પુરવઠો ખોરવવાનું ષડયંત્ર: ખાલિસ્તાન સમર્થક સંસ્થાએ આપી ધમકી

ટ્રેક્ટર રેલીમાં કંઈક છમકલું કરવાનું કાવતરું : પાકિસ્તાનથી 308 ટ્વીટર હેન્ડલનું ઓપરેટિંગ

નવી દિલ્હી: પ્રજાસત્તાક પર્વ પર દિલ્હીમાં વીજ પૂરવઠો ખોરવવાના ષડયંત્રના ઈનપુટ મળ્યા છે. ખાલિસ્તાની સમર્થક સંસ્થા શીખ ફૉર જસ્ટિસે  સોશિયલ મીડિયા પર 25 અને 26 જાન્યુઆરીએ પાવર કટ  કરવાની ધમકી આપી છે. આ અંગે BSESને પણ છેલ્લા કેટલાક દિવસોથી જાણકારી મળી રહી હતી.બીજી તરફ ગુપ્તચર એજન્સીઓ અને દિલ્હી પોલીસ જાણકારી મળ્યા બાદ એલર્ટ થઈ ગઈ છે. કહેવાય છે કે, ડિસ્કૉમ, પાવર ગ્રિડ અને પાવર સબ સ્ટેશનને ટાર્ગેટ કરવામાં આવી શકે છે. આવું કરવા માટે યુવાનોને ભડકાવવામાં આવી રહ્યાં છે. શીખ ફૉર જસ્ટિસ સંસ્થાની ગતિવિધિઓ પર ગુપ્તચર એજન્સીઓની ચાંપતી નજર છે.

 દિલ્હીમાં ખેડૂતો 26 જાન્યુઆરીએ કૃષિ કાયદા વિરુદ્ધ ટ્રેક્ટર માર્ચ નીકાળવા જઈ રહ્યાં છે. આ રેલીમાં ષડયંત્ર રચવા માટે પાકિસ્તાનથી 308 ટ્વીટર હેન્ડલ ઑપરેટ કરવામાં આવી રહ્યાં હતા. આ તમામ ટ્વીટર હેન્ડલની દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. આ સાથે જ તેમને બ્લોક પર કરી દેવામાં આવ્યા છે.

 દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર દિપેન્દ્ર પાઠકે જણાવ્યું કે, અમને અનેક ઈન્ટેલિજન્સ ઈનપુટ મળ્યા છે કે, ટ્રેક્ટર રેલીમાં કંઈક છમકલું કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. 308 ટ્વીટર હેન્ડલ પાકિસ્તાનમાં બનેલા છે, જેથી લૉ એન્ડ ઑર્ડરને ખરાબ કરી શકાય અને આ ટ્રેક્ટર પરેડને ડિસ્ટર્બ કરી શકાય.

દિલ્હીમાં ત્રણ ઠેકાણે ટ્રેક્ટર રેલીની મંજૂરી છે. આ ત્રણ બોર્ડરો પર બેરિકેડ હટાવવામાં આવશે. કેટલીક શરતો સાથે આ મંજૂરી આપવામાં આવી છે. દિલ્હીની સિંઘુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગાજીપુર બોર્ડરથી બેરિકેડ્સ હટાવીને કેટલાક કિલોમીટર સુધી અંદર આવવાની મંજૂરી મળી છે

(2:15 pm IST)