Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

સેબીનો નવો નિયમ ૩૦ સપ્ટેમ્બરથી અમલમાં

ફાઇનાન્સીયલ એડવાઇઝરો અઢી ટકાથી વધારે ચાર્જ નહીં વસૂલી શકે

મુંબઇ, તા.રપ : શેર બજાર નિયામક સેબીએ ગ્રાહકોના હિતમાં રોકાણ સલાહકારો માટે ચાર્જ, યોગ્યતા અને એલોટમેન્ટ સહિતની ઘણી ગાઇડલાઇનો બહાર પાડી છે. તેના હેઠળ રોકાણ સલાહકાર રોકાણકારો પાસેથી રોકાણ કરાયેલ સંપતિનો વધુમાં વધુ અઢી ટકા ચાર્જ લઇ શકશે. સેબીના આ આદેશ ૩૦ સપ્ટેમ્બર-ર૦ર૦થી લાગુ થઇ જશે.

સેબીએ ગાઇડલાઇનમાં કહ્યું છે કે સલાહકાર પોતાના ગ્રાહક પાસેથી બે પ્રકારે ચાર્જ લઇ શકશે. મેનેજમેન્ટ હેઠળની સંપત્તિના કેસમાં બધી સેવાઓ પર ગ્રાહક દીઠ વાર્ષિક વધુમાં વધુ ર.પ ટકા અને ફિકસ્ડ ચાર્જના કેસોમાં વાર્ષિક પ્રતિ ગ્રાહક ૧.રપ લાખ રૂપિયાથી વધારે નહીં લઇ શકાય. સલાહકાર આમાંથી કોઇ એક પ્રકારે જ ચાર્જ લઇ શકશે અને ૧ર મહીના પુરા થયા પછી જ ચાર્જ લેવાની પદ્ધતિમાં ફેરફાર કરી શકશે. ગ્રાહકની સંમતિ પછી રોકાણ સલાહકાર એડવાન્સ ચાર્જ પણ વસૂલી શકશે

આ નિયમો પણ થશે લાગુ

. ૧પ૦ થી વધુ ગ્રાહકો થયા પછી જ વ્યકિતગત, બિનવ્યકિતગત રોકાણકાર તરીકે રજીસ્ટ્રેશન કરાવી શકશે.

. હિતોના ટકરાવથી બચવા માટે જૂથ, પરિવાર અથવા સલાહકાર સેવાઓમાંથી કોઇ એક જ ગ્રાહકને સલાહ આપી શકશે.

. વિતરક અને સલાહકારની ભૂમિકા એક જ વ્યકિત કે ગ્રુપ નહીં નિભાવી શકે.

. પ૦ વર્ષથી વધુ વયના વ્યકિતગત રોકાણ સલાહકારોએ યોગ્યતા અને અનુભવનું પ્રમાણપત્ર નહીં આપવું પડે.

. બાકીના સલાહકારો પાસે પોસ્ટ ગ્રેજયુએશન ડીગ્રીની સાથે નાણાંકીય ઉત્પાદનો, ડીબેન્ચર અને પોર્ટફોલીયો મેનેજમેન્ટનો પાંચ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.

. તેમની સાથે કામ કરતા કર્મચારીઓને પણ બે વર્ષનો અનુભવ અને પોસ્ટ ગ્રેજયુએશનની ડીગ્રી હોવી જરૂરી છે.

(11:22 am IST)