Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

બિહાર : ૨૮ ઓકટો.થી ત્રણ તબક્કે મતદાન : ૧૦ નવેમ્બરે પરિણામ

કોરોનાકાળ વચ્ચે બિહારમાં ચૂંટણીનું રણશિંગુ ફુંકાયુ : ૨૪૩ બેઠકો માટે યોજાશે ચૂંટણી :૨૮ ઓકટોબર - ૩ નવેમ્બર અને ૭ નવેમ્બરે મતદાન : મતદાનનો સમય ૧ કલાક વધારાયો : સાતથી છ : પક્ષો - ઉમેદવારો વર્ચ્યુઅલ પ્રચાર કરી શકશે : ડોર ટુ ડોર પ્રચારમાં પાંચ લોકોને જ મંજુરી : કોરોનાગ્રસ્ત પણ મતદાન કરી શકશે

નવી દિલ્હી તા. ૨૫ : બિહારમાં વિધાનસભા ચુંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું છે. આ વખતે ત્રણ તબક્કામાં ચુંટણી યોજાશે. ૨૮ ઓકટોબરે પ્રથમ તબક્કાનું મતદાન થશે. ૩ નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન અને ત્રીજા તબક્કાનું ૭ નવેમ્બરે અને ૧૦ નવેમ્બરે ચુંટણીના પરિણામોનું એલાન થશે.

બિહાર વિધાનસભાની ચુંટણીને લઈને મહત્વની જાહેરાત ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. ચુંટણી પંચે જણાવ્યું હતું કે આ ચુંટણી કોરોના કાળ પછીની સૌથી મોટી ચુંટણી હશે. કોરોના કાળમાં ચુંટણી નવા માપદંડ અને નવા નિયમો સાથે યોજાશે. આ વખતની ચુંટણીમાં કોરોનાના જોખમને ધ્યાનમાં રાખી અને નક્કી કરવામાં આવ્યું છે કે ચુંટણીમાં ૧ પોલિંગ બુથ પર ૧૦૦૦ મતદાતાઓ જ હશે. આ સાથે જ પોલિંગ બુથની સંખ્યા પણ વધારવામાં આવી છે અને સાથે જ બુથ પર હાજર અધિકારીઓની સંખ્યા ઘટાડવામાં આવી છે.

ચુંટણી પંચે જણાવ્યું હતુ કે મતદાતાઓને ગ્લવ્સ આપવામાં આવશે. તેના માટે ૪૬ લાખ ગ્લવ્સ અને ૭ લાખ લીટર સેનિટાઈઝરનો ઉપયોગ થશે. આ સિવાય મતદાનનો સમય સવારે ૭ કલાકથી સાંજે ૬ કલાક કરાયો છે. એટલે કે આ વખતે મતદાન માટે ૧ કલાકનો સમય વધારવામાં આવ્યો છે. આ સિવાય કોરોનાગ્રસ્ત દર્દીઓ મતદાનના છેલ્લા કલાકમાં મતદાન કરશે.

બિહાર વિધાનસભાની ચુંટણીમાં ૧ લાખ મતદાન મથકો પર મતદાન થશે. પ્રચાર અંગે જણાવવામાં આવ્યું છે કે આ વખતે ચુંટણી પ્રચારમાં ૫થી વધુ લોકો ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે નહીં. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખી સમગ્ર ચુંટણી પ્રક્રિયામાં ૬ લાખ પીપીઈ કીટનો ઉપયોગ થશે. ઉમેદવારની સાથે માત્ર ૨ લોકો રહી શકશે. વધુ લોકો એકત્ર થઈ શકશે નહીં. આ વખતે ચુંટણી પ્રચાર પણ વર્ચુઅલ જ કરવાનો રહેશે. ઉમેદવારી ફોર્મ પણ ઓનલાઈન ભરાશે.

તેમણે જણાવ્યું કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના કોરોના પ્રોટોકોલને અનુરવામાં આવશે. એક બૂથ પર માત્ર એક હજાર મતદારો જ હશે. સાતમી ફેબ્રુઆરીએ મતદાર યાદીની જાહેરાત કરવામાં આવી હતી.૬ લાખ પીપીઈ કીટનો ઉપયોગ કરવામાં આવશે. ૪૬ લાખ માસ્કનો ઉપયોગ કરવામાં આવશે. ૬ લાખ ફેસ શિલ્ડનો ઉપયોગ કરાશે. સાત લાખ હેન્ડ સેનેટાઈઝર્સનો ઉપયોગ કરાશે.

તેમણે જણાવ્યું કે બિહારમાં ૭.૭૯ કરોડ મતદારો છે. મહિલા મતદારો ૩.૩૯ કરોડ છે. જયારે પુરુષ મતદારો ૩.૭૯ કરોડ છે. ૧.૮૯ લાખ બેલેટ યુનિટ પોલીંગ હશે. સવારે સાત વાગ્યા થી સાંજે ૬ વાગયા સુધી મતદાન કરી શકાશે. ઓનલાઈન અને ઓફલાઈન નોમિનેશન ભરવામાં આવશે અને તેનો પ્રિન્ટ આઉટ સંબંધિત અધિકારીને આપવાનો રહેશે. પાંચ કરતાં વધારે લોકો ઘરે જઈને પ્રચાર કરી શકશે નહીં. મતદાનના અંતિમ સમયમાં કોરોના દર્દીઓ પણ વોટ આપી શકશે, તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. મતદાનનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે.

(3:13 pm IST)