Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

જે વિસ્તારોમાં ડેંગ્યુ વધારે હતા ત્યાં કોરોનાના કેસ ઓછા જોવા મળ્યા : સર્વે

ભારતીયોના 'જીન'માં ખાસ વાતના લીધે સંક્રમણની અસર ઓછી જોવા મળી રહી છે

નવી દિલ્હી,તા. ૨૫: દુનિયામાં કોવિડ-૧૯ મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારતનો નંબર ભલે બીજો હોય પણ કોરોનાના કારણે થતા મોત માટે ટોપ ટેન દેશોમાં આપણી સ્થિતી સૌથી સારી છે. કોરોના સંક્રમણની અસરો અંગે કેટલીય જાતના રિસર્ચો થઇ રહ્યા છે. સૌથી વધુ સંક્રમિત દેશોમાં બ્રાઝીલનો નંબર ભારત પછી છે પણ ત્યાં થયેલ મોતનો આંકડો અમેરિકા પછી બીજા નંબરે છે.

બ્રાઝીલમાં કોરોના સંક્રમણનું વિશ્લેષણ કરવા માટે કરાયેલ અભ્યાસમાં જાણવા મળ્યુ કે જે વિસ્તારોમાં ડેંગ્યુની અસર પહેલાથી છે ત્યાં સામાન્ય રીતે લોકોમાં રોગ પ્રતિકારક શકિતમાં વધારો થયો છે. ભારત બાબતે પણ આવું અનુમાન કરાઇ રહ્યું છે. રિસર્ચ અનુસાર, ડેંગ્યુના કારણે ઉત્પન્ન થયેલ ઇમ્યુનિટી કોરોનાના પ્રભાવને અમુક હદ સુધી ઘટાડી નાખે છે. ડયુક યુનિવર્સિટીના પ્રોર્ફેસર મિગુએલ નિકોલેસિસના નેતૃત્વમાં કરાયેલ રિસર્ચમાં આ જાણવા મળ્યું છે.

તો, વારાણસીમાં બીએચયુના વૈજ્ઞાનિકોને એ જાણવા મળ્યુ છે કે ભારતીય લોકોના જીનમાં જ એ ખાસ વાત છે જેના લીધે કોરોના સંક્રમણની વ્યાપક અસર છતાં આપણે બચી રહ્યા છીએ. બીએચયુના પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબે અનુસાર, છ સંસ્થાઓના સીનીયર એકસપર્ટોની ટીમે એકસ ક્રોમોઝોમના એન્જીયોટોસિન કન્વર્ટીંગ એન્ઝાઇમ -૨ (એસીઇ-૨) ના ડેટના અભ્યાસ કર્યા પછી આ દાવો કર્યો છે. એક આંતરરાષ્ટ્રીય મેગેઝીને તેનું પ્રકાશન પણ કર્યું છે.તેમાં એવું સમજાવાયું છે કે ભારત અને પૂર્વ એશિયામાં કોરોનાનું જોખમ ઓછું છે.

(2:37 pm IST)