Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

સચ મેરે યાર હૈ... ઓ મારિયા... ઓ મારિયા... દિલ દિવાના... કબુતર જા જા... જેવા હીટ ગીતો ગાનાર

દિગ્ગજ સિંગર એસ.પી.બાલાસુબ્રમણ્યમ કોરોના સામે આખરે હારી ગયાઃ દુઃખદ નિધન

૧૬ ભાષાનાં ૪૦,૦૦૦ થી વધુ ગીતો ગાયા છેઃ પદ્મશ્રી -પદ્મભૂષણ-જેવા એવોર્ડ મળ્યા'તાઃ સલમાન ખાનના હીટ ગીતો ગાયેલા

ચેન્નાઇ, તા.૨૫: દક્ષિણ ભારતીય હિન્દી ફિલ્મોના જાણીતા ગાયક એસ.પી.બાલાસુબ્રમણ્યમનું આજે બપોરે ૭૪ વર્ષની વયે કોરોનાની બિમારીને કારણે અવસાન થયું છે. 'મેંને પ્યાર કીયા' સાજન, હમ આપ કે હૈ કૌન, એક દુજે કે લીયે જેવી હીટ ફીલ્મોમાં તેમણે ગાયેલા ગીતો આજે પણ લોકપ્રિય છે. ફિલ્મ સાગરનું ગીત જેમ કે સચ મેરે યાર હૈ, અને ઓ મારિયા, મેંને પ્યાર કિયાનું ગીત, દીલ દીવાના, કબુતર જા-જા-જા, આજા શામ હોને આઇ, કે પછી મેરે રંગમે રંગને વાલી હોય તેમના ગીતો હજુ લોકોના કાનમાં ગુંજી રહ્યા છે. ૧૬ ભાષામાં ૪૦,૦૦૦થી વધુ ગીતો ગાનાર આ મહાન ગાયકને પદમશ્રી, પદમભૂષણ જેવા અનેક એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. ૧૯૮૯માં તેમણે સલમાન ખાન માટે ગાવાનું શરૂ કર્યુ હતું.

દિગ્ગજ સિંગર એસ.પી. બાલાસુબ્રમણ્યમનું અવસાન થયું છે. કોરોના વાયરસ સામેની લાંબી લડાઈ બાદ ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં બાલાસુબ્રમણ્યમનું નિધન થયું. ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. ૫ ઓગસ્ટના રોજ ફેસબુક પર વિડીયો મેસેજ પોસ્ટ કરીને SPB(લોકો પ્રેમથી આ નામે બોલાવતા હતા)એ કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી.

તેમણે વિડીયોમાં કહ્યું હતું, 'મારી તબિયત સારી છે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ફોન કરીને મારી તબિયત પૂછવાની તકલીફ ના લેશો. મને થોડી બેચેની લાગે છે. છાતી ભીંસાતી હોય તેવું લાગે છે, જે એક સિંગર માટે જરાપણ સારું નથી. તાવ ચડ-ઉતર થાય છે. બાકી મને કોઈ તકલીફ નથી. પરંતુ હું આને હળવાશમાં નહોતો લેવા માગતો એટલે જ હોસ્પિટલમાં તપાસ માટે આવ્યો છું.'

જો કે, એસ.પી. બાલાસુબ્રમણ્યમની તબિયત હોસ્પિટલમાં દાખલ થયાના બીજા અઠવાડિયે લથડી હતી. તેમનો દીકરો એસ. પી. ચરણ સ્વાસ્થ્યની સતત અપડેટ આપતો હતો. તેમની તબિયત થોડી સુધરી રહી હતી. ૨૨ સપ્ટેમ્બરે એસ.પી. ચરણે જણાવ્યું હતું કે, પિતાની તબિયત સ્થિર છે. તેમને ECMO/વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને તેઓ હોસ્પિટલથી ઘરે જવા માટે ઉત્સુક છે. કમનસીબે છેલ્લા ૨૪ કલાકમાં દિગ્ગજ ગાયક કલાકારની તબિયત વધુ વણસી હતી અને આજે ૨૫ સપ્ટેમ્બરના રોજ તેમનું અવસાન થયું.

તેલુગુ ફિલ્મ શ્નઊડજીક શ્રી શ્રી મર્યાદા રામાન્ના' દ્વારા ૧૯૬૬માં SPBએ સિંગિગ ડેબ્યૂ કર્યું હતું. SPB દેશના સૌથી શ્રેષ્ઠ ગાયક કલાકાર હતા. 'હોટલ રામ્બા' નામની રિલીઝ ના થઈ શકેલી તમિલ ફિલ્મ માટે તેમણે સૌથી પહેલું ગીત રેકોર્ડ કર્યું હતું. જો કે, ૧૯૬૯માં રિલીઝ થયેલી ફિલ્મના ગીત ‘Aayriam Nilave Vaa’એ બાલાસુબ્રમણ્યમને પ્રસિદ્ઘિ અપાવી હતી. આ ગીત કે.વી. મહાદેવને કમ્પોઝ કર્યું હતું. ધીમે-ધીમે બાલાસુબ્રમણ્યમની પ્રસિદ્ઘિ વધતી ગઈ અને તેમને કદી પાછું વળીને જોવાનો વારો ના આવ્યો. માત્ર તમિલ જ નહીં બધી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો તેમની સાથે કામ કરવા ઉત્સુક હતા.

૧૯૮૧માં બાલાસુબ્રમણ્યમે એક જ દિવસમાં ૨૧ ગીત રેકોર્ડ કરવાનો વિક્રમ નોંધાવ્યો હતો. આજ સુધી તેમનો આ રેકોર્ડ કોઈ તોડી શકયું નથી. આ જ વિક્રમ એસ.પી. બાલાસુબ્રમણ્યમના કરિયરના શિખરોની સાક્ષી પૂરે છે. એસ. પી. બાલાસુબ્રમણ્યમે ૧૬ ભારતીય ભાષાઓમાં ૪૦,૦૦૦થી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે. એક સિંગર તરીકે સૌથી વધુ ગીતોનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એસ.પી. બાલાસુબ્રમણ્યમના નામે છે.

(3:16 pm IST)