Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

અમે એક પણ પોસ્ટ પરથી નહીં હટીએ : ભારતની સ્પષ્ટ વાત

સ્થિતિ ખરાબ થશે તો ગોળીઓ પણ ચલાવવાનું મંજૂર : ચીનને સ્પષ્ટ સંદેશ અપાયો હોવાનો એક અધિકારીનો દાવો

નવી દિલ્હી, તા. ૨૫ : લદ્દાખ સીમા પર ચીન સાથે ચાલી રહેલી તંગદિલી વચ્ચે ભારતે એલએસી પર આવેલી મહત્વની ચોકીઓ પરથી હટવાનો ઈનકાર કરી દીધો છે. એટલું જ નહી ચીનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી પણ આપી દીધી છે. ચીન સાથે ચાલી રહેલી વાટાઘાટો દરમિયાન ભારતે કહ્યું હતું કે, જો આ વિસ્તારમાં સ્થિતિ કાબૂ બહાર ગઈ તો અમારા સૈનિકો ગોળીઓ ચલાવતાં અચકાશે નહીં. ભારતને મજબૂર કરવામાં આવ્યુ તો ભારત સંઘર્ષ કરતા ખચકાશે નહી.એક અધિકારીએ પોતાની ઓળખ  ગુપ્ત રાખવાની શરતે આ માહિતી આપતા કહ્યુ હતુ કે, ચીનને બહુ સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

એક અધિકારીને ટાંકીને કહેવાયું છે કે, હવે ભારતીય સૈનિકો ચીનના સૈનિકો દ્વારા થતી ધક્કા મુક્કી સહન નહીં કરે.જો ચીન તરફથી પરંપરાગત હથિયારોનો ઉપયોગ થયો તો ભારતીય સેના તરફથી ગોળીઓ ચાલવામાં સ્હેજ પણ વાર નહીં લાગે. જોકે વાતચીત દરમિયાન બંને પક્ષો વચ્ચે સીમા પર વધારે સૈનિકો નહીં મોકલવા માટે સંમતિ તો થઈ છે પણ એલએસી પર ચાલી રહેલા તનાવને ઓછો કરવાનો કોઈ મોટો રસ્તો હજી સુધી ખુલ્યો નથી.આમ બંને દેશો હાડ ગાળી નાંખે તેવા શિયાળામાં પણ એક બીજા સામે મોરચો માંડવાની તૈયારીઓ કરી રહ્યા છે.

(9:44 pm IST)