Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

કૂપવાડાના કેરનમાં સેનાએ પાકનું ક્વોડકોપ્ટર તોડી પાડ્યું

પાકની સરહદ પર અવરચંડાઈ સામે ભારતની લડત : સવારે તોડી પડાયેલું ક્વોડકોપ્ટર ચીનની બનાવટનું હતું

કુપવાડા, તા. ૨૪ : ભારતીય લશ્કર દ્વારા જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં અંકુશ રેખા નજીક પાકિસ્તાનના ક્વોડકોપ્ટરને તોડી પાડ્યું છે. લશ્કરે આપેલી વિગતો મુજબ સનિવારે સવારના વાગ્યા આસપાસ પાક.નું ક્વોડકોપ્ટર તોડી પાડવામાં આવ્યું હતું.

પાકિસ્તાને લાઈન ઓફ કંટ્રોલ પર મોકલેલું ક્વોડકોપ્ટર ચીનની કંપનીનું ડીજેઆઈ મેવિક પ્રો મોડેલ હતું જેને ભારતીય સરહદની અંદર તોડી પડાયું હતું. છેલ્લા ઘણા સમયથી બોર્ડર નજીક પાકિસ્તાન ડ્રોન મારફતે શસ્ત્રો તેમજ દારૂગોળાની સપ્લાયના પ્રયાસો કરી રહ્યું હોવાનું જણાયું છે. જો કે ભારતીય લશ્કરના બહાદુર જવાનો પાક.ના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા નજીક પાકિસ્તાન આતંકવાદીઓને ભારતીય સરહદમાં ઘુસાડીને હુમલાની યોજના પણ પાર પાડવા મથી રહ્યું છે. લશ્કરના વડા જનરલ મનોજ મુકુંદ નરવણેએ જણાવ્યું કે, પાકિસ્તાન નાપાક કરતૂતો દ્વારા ભારતીય હદમાં આતંકવાદીઓને ઘુસાડવાનો પ્રયાસ કરે છે પરંતુ જવાનો તેમને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

શિયાળાના પ્રારંભ સાથે હિમવર્ષાની આડમાં પાકિસ્તાન આતંકવાદીઓને ભારતીય સરહદમાં ઘુસાડવાની ગતિવિધિ વેગવંતી બનાવે છે. ગાળામાં અનેકવખત આતંકવાદીઓ અને ભારતીય લશ્કરના જવાનો વચ્ચે ઘર્ષણના બનાવો પણ વધતા જોવા મળે છે.

(12:00 am IST)