Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

કોરોના : અમેરિકામાં એક જ દિવસમાં ૮૩૦૦૦થી વધુ કેસ

અમેરિકા-ફ્રાંસમાં હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા : બ્રિટેનની નેશનલ હેલ્થ સર્વિસ મુજબ કોરોનાના ૨૩૦૧૨ કેસ, ફ્રાંસમાં ૪૫૦૦૦ રેકોર્ડબ્રેક કેસ સામે આવ્યા છે

વોશિંગ્ટન,તા.૨૫ : કોરોના વાયરસને અટકાવવા માટે લાખો પગલાં ભરવા છતાંય અમેરિકામાં ચેપનું પ્રમાણ ઘટતું નથી. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી (કોરોના વાયરસ સંશોધન કેન્દ્ર )ના અહેવાલ મુજબ અમેરિકામાં કોરોના વાયરસના ચેપના ૮૩૦૦૦થી વધુ નવા કેસ નોંધાયા છે. જે એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાવાનો રેકોર્ડ છે. બીજી તરફ ફ્રાન્સમાં પણ કોરોના વાયરસના રેકોર્ડ કેસ નોંધાયા છે. યુરોપના ઘણા દેશોમાં કોરોનાની સેકન્ડ વેવ શરૂ જતાં ફરી ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. એક દિવસમાં ફ્રાંસમાં કોરોનાના ૪૫૦૦૦ નવા કેસ સામે આવ્યા છે, જે એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાવાનો રેકોર્ડ છે. બ્રિટેનની નેશનલ હેલ્થ સર્વિસ મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૩૦૧૨ કેસ સામે આવ્યા છેય ચાર દિવસ પહેલા બ્રિટનમાં ૨૬૬૮૮ દર્દીઓ મળી આવ્યા હતા, જે એક દિવસમાં અત્યાર સુધી સૌથી વધુ કેસ છે. ઉત્તરી ઇડાહોની એક હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એટલી વધી ગઈ છે કે જગ્યા પણ ખૂટી પડી છે અને દર્દીઓને હેલિકોપ્ટર દ્વારા પોર્ટલેન્ડ, સિયાટલ અને ઓરેગન મોકલવાનો વિચાર ચાલી રહ્યો છે. યુરોપના દેશોમાં અમેરિકાની જેમ જ કોરોનાના કેસોમાં વધારો થયો છે. રોમ, પેરિસ અને અન્ય દેશોમાં રાત્રિના મનોરંજનના સ્થળોને કાબૂમાં રાખવા તેમજ રોગચાળાની ગતિ ધીમી કરવા માટે ઘણા મોટા પગલા લેવામાં આવી રહ્યા છે. બ્રિટને ફરીથી તેના ઘણા રાજ્યોમાં કડક લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. ત્યાં આવશ્યક સેવાઓ સિવાય કોઈને પણ ઘર છોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડા ટેડ્રોસ અધાનામે ઉત્તરી ગોળાર્ધ (મુખ્યત્વે યુરોપિયન) દેશોને ચેતવણી આપી છે કે ચેપ અને મૃત્યુની સંખ્યામાં વધારો થતો હોવાથી તેઓ એક ગંભીર સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે, આગામી કેટલાક મહિનાઓ ખૂબ જ મુશ્કેલ બનવા જઈ રહ્યા છે અને કેટલાક દેશોમાં સ્થિતિ ઘણી ખરાબ છે. સાઉથ ડકોટામાં એક આદેશ જારી કરવામાં આવ્યો છે કે ૩૦ ઓક્ટોબર સવાર સુધી તમામ બિન-આવશ્યક મુસાફરી અને બિન-આવશ્યક પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવશે. ફ્લોરિડાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાંના એકમાં આરોગ્ય અધિકારીઓએ માતા-પિતાને બાળકોના જન્મદિવસ પર પાર્ટીનું આયોજન ન કરવા માટે અપીલ કરી છે.

(7:30 pm IST)