Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

NCBએ ટીવી અભિનેત્રીને ડ્રગ્સ કેસમાં રંગે હાથ ઝડપી

બે ડ્રગ્સ પેડલર્સની પણ ધરપકડ કરાઈ : અભિનેત્રી-પેડલર્સના ઘર ઉપર દરોડામાં તેમની પાસેથી કોકિન, એલએસડી, એમડીએમએ, હસિશ જપ્ત કરાયુ

મુંબઈ,તા.૨૫ : બૉલિવૂડના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલા સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ દરોડા દરમિયાન એક ટીવી એક્ટ્રેસને રંગે હાથ ઝડપી પાડી છે. સાથોસાથ બે ડ્રગ્સ પેડલર્સની પણ ધરપકડ કરવામાં આવી છે. સુશાંત મામલામાં જ્યારથી ડ્રગ્સનો એંગલ સામે આવ્યો છે ત્યારથી બૉલિવૂડની અનેક અભિનેત્રીઓની એનસીબી પૂછપરછ કરી ચૂકી છે, જેમાં દીપીકા પાદુકોણ સહિત અનેક જાણીતી અભિનેત્રીઓનો નામ સામેલ છે. એનસીબી સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો આ ધરપકડ કરાયેલી ટેલીવીઝન એક્ટ્રેસ અને પકડાયેલા ડ્રગ્સ પેડલર્સના ઘર અને ઠેકાણાઓ પર હાથ ધરવામાં આવેલા દરોડાઓમાં તેમની પાસેથી કોકિન, એલએસડી, એમડીએમએ અને હસિશ જપ્ત કરવામાં આવ્યા છે. આ પહેલા પણ અનેક ડ્રગ્સ પેડલર્સ પર એનસીબી કાર્યવાહી કરી ચૂકી છે. નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઈ પોલીસની ધીમી તપાસને જોતાં આ મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. ત્યારે આ કેસમાં ડ્રગ્સ એન્ગલ પણ સામે આવ્યો હતો, જેમાં એનસીબીની ટીમ હાલમાં પણ તપાસ કરી રહી છે. આ ડ્રગ્સ મામલામાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પણ લગભગ એક મહીનો જેલમાં પસાર કરવો પડ્યો હતો. બીજી તરફ, સુશાંતના મોતની તપાસ કરી રહેલા સીબીઆઇએ ગત શુક્રવારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેમણે આ મામલા સાથે જોડાયેલી કોઈ પણ માહિતી મીડિયાને લીક નહોતી કરી. મામલામાં મીડિયા ટ્રાયલ વિશેની જનહિત અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે ટિપ્પણી કરી કે મીડિયાનું ધ્રુવીકરણ થઈ ગયું છે અને આ તેને નિયંત્રિત કરવા માટે નહીં પરંતુ તેના કામમાં સંતુલન કાયમ કરવાનો સવાલ છે.

(7:28 pm IST)