Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

જાપાનમાં છોકરીએ લગ્ન પછી સરનેમ નહીં બદલવી પડે, ભારતમાં આવો કાયદો આવે તો?

નવી દિલ્હી,તા.૨૫ : મોટાભાગના દેશોમાં હાલમાં એવો કાયદો છે કે પતિ અને પત્નીની સરનેમ યાને અટક એક સરખી હોવી જરૂરી છે. જો લગ્ન પહેલાં બનેંની જુદી જુદી અટક હોય તો લગ્ન પછી એક જ સરનેમ પસંદ કરવી પડે છે. પરંતુ હવે સ્થિતિ બદલાવાની છે. જાપાનના પ્રધાનમંત્રી યોશિંદે સુગાએ દેશના લોકોને આશ્વાસન આપ્યુ છે કે આ નિયમમાં બદલાવ માટે પોતે સમર્પિત છે. જાપાનમાં ૭૦ ટકા લોકોનું માનવું છે કે પત્નીની અટક અલગ હોય તો તેમને કોઇ ફરક પડતો નથી. જો કે ૧૪ ટકા એવા લોકો પણ છે જે માને છે ના ના, પત્નીની અટક તો પતિની જે હોય તે જ હોવી જોઇએ.

 પતિ અને પત્ની દ્વારા એક જ સરનેમ રાખવાના નિયંત્રણને કારણે મોટાભાગે મહિલાઓએ જ સરનેમ બદલવી પડતી હોય છે. એટલે આ કાયદાને મહિલા વિરોધી પણ કહેવામાં આવે છે. મહિલાઓ વિરુધ્ધ હિંસા ખતમ કરવા માટે બનાવાયેલી સંયુકત રાષ્ટ્ર સમિતિએ પણ જાપાનને સરનેમના કાયદામાં બદલાવ લાવવાની ભલામણ કરી હતી.

 તાજેતરમાં જાપાનમાં થયેલા એક સર્વેમાં એ વાત સામે આવી કે મોટાભાગના લોકો લગ્ન પછી પોતાની અટક યથાવત રાખવાના પક્ષમાં છે. આ સર્વેમાં ૬૦ વર્ષથી નીચેના જાપાનીઓને અટક બાબતે પુછવામાં આવ્યું હતું. ૭૦.૬ ટકા લોકોએ કહ્યું કે એમને એ વાતથી કોઇ ફરક નથી પડતો કે તેમના પાર્ટનરની અટક અલગ હોય. જયારે ૧૪.૪ ટકા લોકોનું હજું પણ એવું જ માનવું છે કે પતિ અને પત્નીની અટક એક સરખી જ હોવી જોઇએ.

 આ બાબતે જાપાનના પ્રધાનમંત્રીનું વલણ ચોંકાવનારું છે, કારણ કે તેમની પાર્ટી એલડીપી માં ઘણા રૂઢીવાદી સભ્યો સામેલ છે. જે આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેમની દલીલ એવી છે કે પતિ-પત્નીની જુદી જુદી અટક રાખવાથી પરિવારની એકતા પર અસર પડી શકે તેમ છે.એટલે અટક બદલવાની મંજૂરી ન આપવી જોઇએ. જો કે વિપક્ષી પાર્ટીઓએ પ્રધાનમંત્રીના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.

 ભારતમાં પણ આ સમસ્યા છે, લગ્ન પહેલાં પત્નીની અટક જુદી હોય અને લગ્ન પછી પતિની અટક રાખવી પડે. જો કે ભારતમાં તો મહિલાઓએ આનો તોડ કાઢી લીધો છે. સોશિયલ મીડિયા પર તમે જોશો તો મહિલાઓ તેમના નામ પછી તરત પિયરની સરનેમ અને એ પછી સાસરાં પક્ષની જે સરનેમ હોય તે લખે છે. તમે શું વિચારો છો. જો ભારતમાં આવો કાયદો આવે તો તમારો શું મત હશે.

(9:59 am IST)