Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

અહેમદભાઈએ ૨૬ વર્ષની ઉંમરે ૧૯૭૬માં ભરૂચથી પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરેલ

પિતા મોહમ્મદ ઈશકજી પટેલ ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય હતા અને ક્ષેત્રમાં કોંગ્રેસના નામાંકિત નેતા હતા : પ્રથમ વખત ૧૯૭૭માં ભરૂચથી લોકસભા ચૂંટણી જીતીઃ ૧૯૮૪માં પાર્ટીના સંયુકત સેક્રેટરી બનાવવામાં આવ્યા

અમદાવાદ, તા.૨૫: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના નજીકના અહેમદ પટેલ હવે આ દુનિયામાં રહ્યા નથી. જોકે તેઓ છેલ્લે સુધી સોનિયા ગાંધીના ભરોસાપાત્ર રહ્યા. કોંગ્રેસમાં મજબૂત પક્કડ બનાવી રાખનાર અહેમદ પટેલ ખૂબ જ શરમાળ પ્રકારના નેતા હતા અને છેલ્લા ૪ દશકાથી વધુ લાંબા રાજકીય કરિયર છતાં તેમણે પોતાના પરિવારને રાજકારણથી દૂર રાખ્યો હતો.

સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહેલા અહેમદ પટેલ પોતે એક રાજકીય પરિવારમાંથી આવતા હતા, જોકે તેમણે પોતાનાં બાળકોને એનાથી દૂર રાખ્યાં હતાં. તેમણે ૧૯૭૬માં ગુજરાતના ભરૂચથી સ્થાનિક ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવવાની સાથે જ રાજકીય કરિયરની શરૂઆત કરી અને ઝડપથી જ તેઓ ઈન્દિરા ગાંધીના નજીકના બની ગયા. બાદમાં તેઓ રાજીવ ગાંધીની નજીકના અને ખાસ રહ્યા.

ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ૧૯૮૪માં લોકસભાની ૪૦૦ સીટની બહુમતી સાથે સત્તામાં આવ્યા એ સમયે અહેમદ પટેલ સાંસદ હોવા સિવાય તેમને પાર્ટીના સંયુકત સેક્રેટરી બનાવવામાં આવ્યા. બાદમાં તેમણે કોંગ્રેસના જનરલ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યા હતા.

શરમાળ સ્વભાવ ધરાવનારા ૭૧ વર્ષના અહેમદ પટેલનું રાજકીય કરિયર ખૂબ જ સફળ રહ્યું. જોકે રાજકીય બાબતોથી તેમણે પરિવારને દૂર રાખ્યો છે. પુત્ર ફૈઝલ પટેલ રાજકારણથી દૂર રહ્યા છે અને તેમનો બિઝનેસ છે. જોકે તેમની પુત્રી મુમતાજ પટેલના લગ્ન વકીલાત કરનાર ઈરફાન સિદ્દીકીની સાથે થયા.

મોહમ્મદ ઈશકજી પટેલ અને હવાબેન મોહમ્મદભાઈના ઘરમાં ૧૯૪૯માં જન્મેલા અહેમદ પટેલના પિતા પણ કોંગ્રેસમાં હતા. પિતા ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય હતા અને ક્ષેત્રમાં નામાંકિત નેતા હતા. અહેમદ પટેલને રાજકીય કરિયર બનાવવામાં પિતાની ખૂબ મદદ મળી. જોકે તેમનાં બાળકો રાજકારણથી ખૂબ જ દૂર રહ્યાં છે.

૧૯૭૬માં અહેમદ પટેલે મેમુના અહેમદ સાથે લગ્ન કર્યા. તેમને બે બાળકો થયાં. એક પુત્ર અને એક પુત્રી. જોકે બંને કોંગ્રેસ કે કોઈપણ રાજકારણથી ખૂબ જ દૂર રહ્યાં છે. તેમના પુત્ર ફૈઝલ પટેલે ટ્વીટ કરીને પિતાના નિધનની માહિતી આપી.

(3:28 pm IST)