Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

રસીના આડઅસરો પર અફવા ફેલાવનારા સામે કાર્યવાહી થશે

રસીકરણનું દેશમાં વિશ્વનું સૌથી મોટું અભિયાન : કેન્દ્ર તરફથી રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશના ચીફ સેક્રેટરી ને પત્ર લખી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી

નવી દિલ્હી, તા. ૨૫ :  કોરોના મહામારીની જંગમાં સૌથી મહત્વના પડાવ દેશવ્યાપી રસીકરણ અભિયાન દરમિયાન વેક્સીનની સાઇડ ઇફેક્ટની અફવાઓ કે અન્ય અફવાઓને લઇને કેન્દ્ર સરકારે હવે ચેતવણી જાહેર કરી છે. વેક્સીનને લઇને અફવાઓ ફેલાવતા લોકો સામે કેન્દ્ર સરકાર કડક કાયદાકીય કાર્યવાહી કરશે. આ માટે કેન્દ્ર તરફથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ચીફ સેક્રેટરી ને પત્ર લખી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

બીજી તરફ ૧૬ જાન્યુઆરીથી દેશવ્યાપી રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું, પરંતુ લક્ષ મુજબ વેક્સીનેશન આંકડા સુધી પહોંચવામાં અડચણો આવી રહી છે. દેશમાં અત્યાર સુધી ૧૬ લાખથી વધુ લાભાર્થીઓનું રસીકરણ છઇ ગયુ છે.

સેન્ટ્રલ હોમ સેક્રેટરી અજય ભલ્લાએ ગત અઠવાડિયે જ રાજ્યો અને પ્રદેશોને આ મુદ્દે પત્ર લખી સૂચન કર્યુ હતું. જેમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યુ હતું કે, વેક્સીન કે વેક્સીનેશન મિશનને લઇને ખોટા સમાચાર કે અફવાઓ ફેલાવતા લોકો સામે કાર્યવાહી કરવી અને વાસ્તવિક તથ્યોના આધારે જરુરી સૂચનોનું પ્રસારણ કરવું. કેન્દ્રની ચેતવણી હેઠળ હવે વેક્સીન અંગે અફવાઓ ફેલાવતા સંગઠનો અને વ્યક્તિ પર કાયદાકીય કાર્યવાહી થશે. નોંધનીય છે કે, દેશમાં કોરોના રસીકરણ અભિયાન દરમિયાન કેટલાકે લોકોની મોતને લઇને સોશિયલ મીડિયા પર અનેક અફવાઓ ઉડી રહી છે. જ્યારે કેન્દ્ર દાવો કરી રહી છે કે આ મોત અને રસીકરણ વચ્ચે કોઇ સંબંધ નથી. આ અફવાઓમાં લોકોને વેક્સીનેશન ન કરાવવા અને એનાથી જીવનું જોખમ હોવાની વાતો હતી.

જોકે કોરોના જેવી ઘાતક મહામારી સામે ભારતમાં રસીકરણ અભિયાન હેઠળ હવે સરકારે રસીકરણને લઇને જાગૃકતા અભિયાન પણ ચલાવવુ પડી રહ્યુ છે.

(12:00 am IST)