Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

દ્રાસ-ગુલમર્ગમાં હિમવર્ષા : હિમાચલમાં પણ બરફ પડ્યો

સાવધાન...ઠંડી આવી રહી છે...પહાડો પર મોસમ બદલાઇ

શ્રી નગર,તા.૨૬ : પહાડો પર રવિવારે વાતાવરણ પલટાયુ છે. કેન્દ્રશાસીત જમ્મુ કાશ્મીર અને લદ્દાખના મોગલ રોડ, ગુલમર્ગ અને દ્રાસમાં રવિવારે સીઝનની પહેલી હિમવર્ષા થઇ હતી. તેને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે મોગલ રોડ પર અવર-જવરને બંધ કરવામાં આવી છે.

તો હિમાચલમાં બપોર પછીથી રોહતાંગ સહિત લાહૌલના, લેડી ઓફ ડેલાંગ, મુલકિલા, નીલકંઠ, કુગતી પાસ ઉપરાંત શિકાર અપના પહાડો પર પણ બરફ પડ્યો હતો. વ્યુહાત્મક રીતે મહત્વ પુર્ણ અને લદ્દાખીઓ માટે લાઇફ લાઇન ગણાતા  શ્રીનગર-લેહ હાઇવે પર લદ્દાખના પ્રવેશ દ્વાર દ્વાસ સેકટરમાં શ્રીનગર-લેહ હાઇવે પર સતત હિમવર્ષા ચાલુ રહેવાથી જોજીલા દર્રા બંધ થવાની ભીતી છે. સામાન્ય રીતે જોજીલા દર્રા  નવેમ્બરમાં બંધ થાય છે. સીઝનની શરૂઆત પહેલા જ હિમવર્ષાની અસર જોજીલા દર્રા પરની ૧૪.૨ કીમી લાંબી સુરંગના નિર્માણ પર થઇ શકે છે.

શ્રીનગર મોસમ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, આગામી  ૨૪ કલાકમાં કાશ્મીર સંભાગના ઉંચા પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અથવા વરસાદ થઇ શકે છે. જો કે જમ્મુ વિભાગમાં વાતાવરણ સુકુ રહેશે.

લદ્દાખમાં એલએસી પાસેની પહાડીઓ પર પારો માઇનસમાં પહોંચી ચુકયો છે. શીયાળાની સીઝન પોતાના સામાન્ય શેડ્યુલથી પહેલા શરૂ થવાના કારણે અગ્રીમ મોર્ચાઓ પર તહેનાત જવાનોની મુશ્કેલીઓ વધી શકે છે. જો કે સેના તરફથી જવાનો માટે હીટીંગ સીસ્ટમથી માંડીને રહેવા-ખાવાની પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.

(11:25 am IST)