Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

આર્થિક રાહત પેકેજ 3.0 : પીએમ ગરીબ કલ્યાણ યોજના માર્ચ'21 સુધી લંબાવાશે!?

કેશ ટ્રાન્સફર સ્કીમને પણ ત્રીજા પ્રોત્સાહક પેકેજમાં સામેલ કરવામાં આવી શકે

નવી દિલ્હી :કોરોના વાયરસની આર્થિક અસરથી બચવા માટે કેન્દ્ર સરકાર પ્રોત્સાહક પેકેજ 3.0 લાવવાની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારના આ પ્રોત્સાહન પેકેજમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને આગામી વર્ષે માર્ચ સુધી વધારી શકે છે. ગરીબો અને કોરોના વાયરસથી પ્રભાવિત પરિવારોની સામાજિક સુરક્ષા માટે આ યોજનાનો સમયગાળો વધારવામાં આવી શકે છે.

એક સરકારી અધિકારીને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રોત્સાહક પેકેજ 3.0માં માંગ વધારવાના અને સામાજિક સુરક્ષા આપનારા ઉપાયો પર જ ફોક્સ કરવામાં આવ્યું છે.આ પેકેજનું રાજકીય મહત્વ પણ ઘણું હશે. તેનું કારણ તે છે કે આ પેકેજની જાહેરાત બિહાર વિધાનસભા ચૂંટણી અને 11 રાજયોની પેટાચૂંટણી દરમિયાન થઇ શકે છે.

PMGKY હેઠળ સરકાર પ્રત્યેક વ્યક્તિદીઠ એક માસ દરમિયાન 5 કિલો ચોખા અથવા ઘઉં મફત આપે છે. આશરે 81 કરોડ લોકોને તેનો લાભ મળી રહ્યો છે.19.4 કરોડ હાઉસહોલ્ડને પ્રતિમાસ 1 કિલો ચણા નિઃશુલ્ક આપવામાં આવે છે. આ અનાજ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત 20 કારોઈડ જનધન ખાતાઓ અને 3 કરોડ ગરીબ સિનિયર સીટીઝન,વિધવા અને દિવ્યાંગો માટેની કેશ ટ્રાન્સફર સ્કીમને પણ ત્રીજા પ્રોત્સાહક પેકેજમાં સામેલ કરવામાં આવી શકેછે.

ગત અઠવાડિયે જ નાણાં મંત્રી નિર્મલા સીતારામને ત્રીજા પ્રોત્સાહક પેકેજનો સંકેત આપ્યો હતો. નાણાંમંત્રીએ કહ્યું હતું કે કોરોના વાયરસ રોગચાળાને કારણે પેદા થયેલ આર્થિક હાલતથી બચવા માટે સરકાર પાસે અન્ય એક પ્રોત્સાહન પેકેજનો વિકલ્પ મોજુદ છે. આ અગાઉ જ સરકારે બીજા પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી હતી. તેમાં સરકારી કમર્ચારીઓને 10 હજાર રૂપિયા એડવાન્સ અને એલટીસીના બદલે કેશ વાઉચર સામેલ હતા.

(12:23 pm IST)