Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

યુપીમાં લાખો રઝળતી ગાયો ૫ લાખને આશ્રય સ્થાન અપાયા

ગાયના છાણને રોજગારીનું સાધન બનાવાયુ : સ્મશાનગૃહમાં લાકડાના વિકલ્પે 'ગો-કાષ્ઠ'નો ઉપયોગ શરૂ થયો : વૃક્ષો બચી જશે

લખનૌ : ગાયનું છાણ લીંપણ તેમજ ખાતર બાયોગેસ તરીકે કામ આવે છે એ જાણીતી વાત છે પણ ઉત્તરપ્રદેશમાં તેનાથી રોજગારી પણ મળે છીે. યોગી આદિત્યનાથની સરકાર રાજયમાં ગૌ સંરક્ષણ અભિયાન ચલાવી રહી છે જેના અંતર્ગત ૧૧.૮૪ લાખ રખડતી ગાય પૈકી ૫.૨૧ લાખ ગાયોને આશ્રય સ્થાન આપવામાં આવ્યુ છે. યોગી સરકારે રખડતી ગાયો માટે આવા ૪,૫૦૦ આશ્રય સ્થાન ઉભા કર્યા છે.

આ આશ્રય સ્થાનો કાન્હા ગૌશાલા અને કાન્હા ઉપવનના નામે સ્થપાયા છે. આ યોજના હેઠળ પ્રયાગ રાજ જીલ્લામાં શ્રીંગવેરપુર સ્થિત બાયોવેદ એગ્રીકલ્ચરલ ટેકનોલોજી ઈન્સ્ટીટ્યુટ ગાયના છાણમાંથી વસ્તુઓ બનાવવાની તાલીમ આપે છે. ઉત્તરપ્રદેશ ઉપરાંત અન્ય રાજયોના લોકો પણ ઈન્સ્ટીટ્યુટમાં ગાયના છાણમાંથી વસ્તુઓ બનાવવાની તાલીમ મેળવી રહ્યા છે.

 તેમને છાણમાંથી લાકડુ બનાવવાની તાલીમ પણ અપાય છે. આ લાકડાને ગોકાષ્ઠ કહેવાય છે. એનો ઉપયોગ આગ્રા જેલમાં વિવિધ હેતુઓ માટે વિશાળ પાયે થઈ રહ્યો છે.

એ જ પ્રમાણે ફીરોઝાબાદના સ્મશાન સ્વર્ગ આશ્રમમાં પણ ગોકાષ્ઠને લાકડાના બહેતર વિકલ્પ તરીકે જણાયુ છે. એનો ખર્ચ પણ લાકડા કરતા ઓછો આવે છે. ગોકાષ્ઠના ઉપયોગથી વૃક્ષો કાપવાની જરૂર ન પડતી હોવાથી લોકો એને અંતિમ ક્રિયા માટે વધુ પસંદ કરી રહ્યા છે. ગોકાષ્ઠએ લાકડાની ધુળ, સુકા ઘાસ અને ગાયના છાણમાંથી બને છે.

ઉન્નાઉના કલ્યાણી મહોલ્લા સ્થિત રમાકાંત દુબે નામના એક ખેડૂત અને સામાજીક કાર્યકરે ગાયના છાણનો વિવિધ ઉપયોગ કરવાની પહેલ કરી છે.

(12:48 pm IST)