Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

રશિયા હવે યુધ્ધમાં બલૂન ટેકનિકસથી કરશે કિલ્લેબંધી

ઇન્ફ્લેટેબલ બલૂન્સ કે રેપ્લિકા વડે શસ્ત્રો અને લશ્કરી સાધન સરંજામ વડે યુદ્ઘ લડવાની શૈલી એટ્લે 'મસ્કિરોવ્કા'

 નવી દિલ્હીઃ યુદ્ઘ લડવાની અનેક નીતિઓ અને પદ્ઘતિઓમાં એક દુશ્મનોને છેતરવાના વ્યૂહ છે. યુદ્ઘોના ઇતિહાસમાં શત્રુઓને ભ્રમમાં નાખવા અને ગેરમાર્ગે દોરવાના અનેક કિસ્સા અને તરકીબો લોકોએ વાંચ્યા, સાંભળ્યા અને જાણ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપથી લઈને નેપોલિયન બોનાપાર્ટ સહિત અનેક વીર લડવૈયા અને પ્રતાપી સેનાપતિઓના વ્યૂહ અને યુદ્ઘ લડવાની નીતિઓ તથા રીત રસમો હંમેશાં ચર્ચાનો વિષય બનતી રહી છે.

દુશ્મનને ભ્રમિત કરવાનો વ્યૂહ આજે પણ એટલો જ લોકપ્રિય છે. હાલમાં દુશ્મનોને છેતરવા, ભ્રમિત કરવા કે ગેરમાર્ગે દોરવાની તરકીબોમાં રશિયાના બલૂન્સ ચર્ચાનો વિષય બન્યા છે. ફુગ્ગા ફુલાવીને રચેલી કિલ્લેબંધી અને હથિયારોની ગોઠવણી જે આભાસી દૃશ્ય રચે છે એ દૃશ્ય શત્રુઓના મનમાં અલગ ચિત્ર સર્જે છે. એ કિલ્લેબંધી અને શસ્ત્રસરંજામની ગોઠવણી બનાવટી હોવાનું સામા પક્ષને ભાગ્યે જ સમજાય છે. એલેકસેઇ કારામોવ જેવા મિલિટરી એન્જિનિયરિંગના નિષ્ણાતો માને છે કે આવી બનાવટો અને તરકીબો વિજય નિશ્યિત કરવામાં સૌથી વધારે કારણભૂત બને છે.

એક વખતમાં ફકત બલૂન્સ બનાવતી રુસબાઈ કંપની હવે તમામ લશ્કરી સાધનસરંજામની પ્રતિકૃતિઓના બલૂન્સ બનાવે છે. ૧૯૯૩માં હોટ એર બલૂન્સ બનાવતી એ કંપની રોકેટ-લોન્ચર્સ, ટેન્કસ અને ફાઇટર જેટ્સના પણ મોટા કદના ઇન્ફ્લેટેબલ બલૂન્સ બનાવે છે. ઇન્ફ્લેટેબલ બલૂન્સ કે રેપ્લિકા વડે શસ્ત્રો અને લશ્કરી સાધન સરંજામ વડે યુદ્ઘ લડવાની શૈલી રશિયામાં 'મસ્કિરોવ્કા' નામે ઓળખાય છે.

(12:49 pm IST)