Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

બિહારમાં ભાજપ- નીતિશ કુમાર વચ્ચે અંટસ પડ્યાના સંકેત

બિહારના પ્રથમ ચરણના મતદાન આડે ૩ દિવસ બાકી : બિહારના પ્રથમ ચરણના મતદાન આડે ૩ દિવસ બાકી

પટણા, તા. ૨૬ : બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનને હવે ત્રણ જ દિવસ બાકી રહ્યા છે. જોકે, આ દરમિયાન ભાજપે રાજ્યમાં ઠેર-ઠેર મૂકેલા જંગી પોસ્ટર્સમાં મોદીની તસવીર મૂકીને નીતિશની બાદબાકી કરી નાખી છે. રાજકીય પંડિતોનું માનવું છે કે, ભાજપ સુશાસન બાબુ તરીકે ઓળખાતા નીતિશને બદલે હવે માત્ર મોદીના નામ પર જ વોટ માગવા ઈચ્છે છે. ભાજપે આજે બિહારના મોટાભાગના સ્થાનિક અખબારોમાં ફુલ પેજ એડ આપી છે. તેમાં પણ નીતિશ કુમાર ગાયબ છે. ૨૮ ઓક્ટોબરે મોદી બીજા તબક્કાના મતદાન પહેલા પ્રચાર માટે આવી રહ્યા છે, તે પહેલા જ ભાજપે લીધેલા આ નિર્ણયથી રાજકીય પંડિતો પણ જાતભાતની અટકળો લગાવવા માંડ્યા છે. ભાજપ દ્વારા ઠેર-ઠેર લગાવાયેલા આ પોસ્ટરમાં એનડીએની સરકાર બની તો કયા સાત મુદ્દા પર કામ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરાયો છે. જેમાં આઠમા મુદ્દામાં 'ભાજપા હૈ, તો ભરોસા હૈ'ને સ્થાન અપાયું છે. જેડીયુના એક નેતાના જણાવ્યા અનુસાર, તેમના પક્ષના પોસ્ટરમાં ભાજપના નેતાઓને પણ સ્થાન અપાયું છે.

તેમાં મોદી અને નીતિશ કુમાર બંને જોવા મળી રહ્યા છે. જોકે, ભાજપનો આ નિર્ણય જેડીયુથી તદ્દન વિરુદ્ધનો છે. આ મામલો એટલો સંવેદનશીલ બની ગયો છે કે ભાજપ અને જેડીયુ બંનેમાંથી એકેય પક્ષના નેતા તેના પર કશુંય બોલવા તૈયાર નથી. જેડીયુના એક નેતાએ નામના આપવાની શરતે એમ પણ કહ્યું હતું કે, ભાજપે જ હવે સ્થિતિ વધુ મુશ્કેલ બનાવી દીધી છે. ભાજપના એક નેતા અને હાલ ચૂંટણી લડી રહેલા ઉમેદવારનો આ અંગે પ્રતિક્રિયા જાણવા સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દેતા આ નિર્ણય પક્ષનો હોવાનું કહી દીધું હતું. બિહારમાં મોદીએ ૨૩ ઓક્ટોબરના રોજ નીતિશ સાથે સાસારામ, ગયા અને ભાગલપુરમાં રેલીઓ કરી હતી. હવે તેઓ ૧ નવેમ્બર અને ૩ નવેમ્બરના રોજ વધુ ૩-૩ રેલીઓ કરવાના છે. હાલના આયોજન અનુસાર, નીતિશ કુમાર ૨૮ ઓક્ટોબરે પટણામાં થનારી રેલીમાં મોદી સાથે હાજર રહેવાના છે.

(9:22 pm IST)
  • ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાએ તેની પ્રાયોગિક કોરોના વેકસીનના પરીક્ષણો પૂર્ણ કરેલ છે અને BMC ટૂંક સમયમાં તેની ક્લિનિકલ ટ્રાયલ્સનો ત્રીજો તબક્કો મુંબઈમાં શરૂ કરશે. access_time 10:02 pm IST

  • ભારતના રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગાની અવગણના કરનાર મહેબુબા મુફ્તીની પીડીપી પાર્ટીમાં તિરાડ : પાર્ટી અધ્યક્ષ મહેબુબાના નિવેદનથી નારાજ થયેલા 3 આગેવાનોએ રાજીનામાં આપી દીધા : ટી.એસ.બાજવા ,વેદ મહાજન ,તથા હુસેન એ.વફાએ મહેબૂબાને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી રાજીનામાં આપી દીધા : મહેબૂબાએ કાશ્મીરમાં 370 મી કલમ ફરીથી લાગુ ન થાય ત્યાં સુધી ત્રિરંગાને હાથ અડાડવાનો ઇન્કાર કરી દીધો હતો access_time 8:11 pm IST

  • કેન્દ્રીય તકેદારી આયોગ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2020 સુધી, "સતર્ક ભારત, સમૃધ્ધ ભારત" ની થીમ સાથે વિજિલન્સ જાગરૂકતા સપ્તાહની ઉજવણી કરશે. access_time 10:04 pm IST