Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

હિન્દુ દેવી અને દેવતાઓનું અપમાન યોગ્ય નથી : સુપ્રીમકોર્ટ

વેબ સિરિઝ તાંડવને કોર્ટની વધુ એક લપડાક : વેબ સિરિઝના મેકર્સને ધરપકડથી બચવામાં સુપ્રીમે રાહત ન આપ્યા બાદ અલ્હાબાદ હાઈકોર્ટેથી પણ નિરાશા મળી

નવી દિલ્હી, તા. ૨૬ : એમેઝોન પ્રાઈમ વિડિયો પર તાજેતરમાં રિલિઝ થયેલી વેબ સિરિઝ તાંડવ સામે હિન્દુ દેવી દેવતાઓની લાગણી દુભવતા દ્રશ્યોના કારણે ભારે વિરોધ થયો હતો. આ વેબ સિરિઝ કાનૂની વિવાદમાં પણ ફસાઈ ચુકી છે અને હવે સુપ્રીમ કોર્ટ બાદ અલ્હાબાદ હાઈકોર્ટે પણ સિરિઝના નિર્માતાઓની આકરી ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે કહ્યુ છે કે, અભિવ્યક્તિની આઝાદીના નામે હિન્દુ દેવી દેવતાઓનુ અપમાન કરવું યોગ્ય નથી.

તાંડવના મેકર્સને આ પહેલા સુપ્રીમ કોર્ટે ધરપકડથી બચવા માટે રાહત આપવા માટે ઈનકાર કરી દીધો હતો. એ પછી મેકર્સે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.જોકે અહીંથી પણ તેમને નિરાશા જ હાથ લાગી છે.હાઈકોર્ટે પણ આ સિરિઝમાં લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી હોવાની દલીલને માન્ય રાખી છે.હાઈકોર્ટે એમેઝોનની કન્ટેન્ટ હેડ અપર્ણા પુરોહિતની જામીન અરજી ફગાવી દીધી છે.હવે એવી આશંકા છે કે, આ મામલામાં જે બીજા લોકો સામે ફરિયાદ કરાઈ છે તેમના પર પણ ધરપકડની તલવાર લટકી રહી છે. આ કેસમાં અપર્ણા પુરોહિત સિવાય ડાયરેક્ટર અબ્બાલ અલી ઝફર , પ્રોડયુસર હિમાંશુ મહેરા અને રાઈટર ગૌરવ સોલંકી પર ફરિયાદ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તાંડવના એક સીનમાં એક્ટર ઝીશાન ઐયુબ દ્વારા ભગવાન શિવ અને ભગવાન રામની મજાક ઉડાવવામાં આવી હતી.

(9:17 am IST)