Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ચાંદીની ચોરી માટે ૮૭ લાખમાં પ્લોટ ખરીદીને ટનલ બનાવી

રાજસ્થાનની રાજધાનીમાં ચોરીનો અનોખો કિસ્સો : જયપુરના વૈશાલીનગરના ડી-બ્લોકમાં રહેતા ડોક્ટરના ઘરમાં ઘૂસી ચોરી કરવા ચોરોએ જોરદાર મગજ ચલાવ્યું

જયપુર, તા. ૨૭ : રાજ્યની રાજધાની જયપુરમાં  શુક્રવારે ચોરીનો એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એકવાર તો તમને આ ઘટના એકદમ ફિલ્મી લાગશે, પરંતુ હકીકત જાણીને તમારા પણ હોશ ઉડી જશે. જયપુરના વૈશાલી નગરના ડી-બ્લોકમાં રહેતા એક જાણીતા ડોક્ટરના ઘરમાં ઘૂસીને ચોરી કરવા માટે ચોરોએ એવું જોરદાર મગજ ચલાવ્યું છે કે તમે પણ જાણીને ચોંકી જશો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડોક્ટરના ઘરમાં ચોરી કરવા માટે ચોરોએ પહેલા તેના ઘર સાથે જોડાયેલો પ્લોટ ૮૭ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી ચોરોએ ત્રણ મહિનાની અંદર પ્લોટથી ડોક્ટરના ઘૂસવા માટે બેઝમેન્ટ સુધી એક ટનલ બનાવી દીધી. આ ટનલમાં પ્રવેશ કરીને ચોર ડોક્ટરના ઘરમાં ઘૂસ્યા અને કરોડોની રૂપિયાની ચાંદીનું બોક્સ ઉઠાવીને ફરાર થઈ ગયા.

પોલીસે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના અંગે હેર ટ્રાન્સપ્લાન્ટના ડોક્ટર સુનીત સોનીએ વૈશાલી નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કેટલી ચાંદીની ચોરી થઈ હતી તે અંગે હાલ કોઈ પુષ્ટિ થઈ શકી નથી. પીડિત ડોક્ટરે પોલીસને જણાવ્યું હતું કે એક બોક્સમાં ચાંદીનો મોટો જથ્થો છે. ચાંદીના કુલ ત્રણ બોક્સ હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોલીસે હાલ તપાસ શરૂ કરી દીધી છે. આ લૂંટમાં એકથી વધુ લોકો સંડોવાયેલા હોવાનું પોલીસનું અનુમાન છે.

પોલીસનું કહેવું છે કે ચોરોને ડોક્ટરના ઘરની સંપૂર્ણ જાણકારી હતી. જેને લઈને તેઓએ એક સંપૂર્ણ યોજના બનાવી હતી. સાથે જ ટનલ ખોદીને ઘટનાને અંજામ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ૩ મહિના પહેલા ડોકટરે ચાંદીના બોક્સને બેઝમેન્ટમાં રાખ્યું હતું, પરંતુ તેને ખ્યાલ નહોતો કે ચોરો તેના બેઝમેન્ટમાં રાખેલા બોક્સની ચોરી કરવા માટે આટલી મોટી યોજના ઘડી રહ્યા છે.

(9:22 pm IST)