Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

ડુંગળીની નિકાસ ઉપર મુકાયેલા પ્રતિબંધ વિરુદ્ધ મુંબઈ હાઇકોર્ટમાં પિટિશન : પ્રતિબંધ મુકાયા પહેલાનો કસ્ટમના કબ્જામાં રહેલો માલ બગડી જાય તે પહેલા નિકાસ કરવાની મંજૂરી આપો

મુંબઈ : ડુંગળીની નિકાસ ઉપર  મુકાયેલા પ્રતિબંધ વિરુદ્ધ મુંબઈ હાઇકોર્ટમાં ખેત ઉત્પાદન નિકાસ કરતા વેપારીઓના એશોશિએશન તથા ફેર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ સહિતના નિકાસકારોએ મુંબઈ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.
         આ પિટિશનમાં જણાવ્યા મુજબ પ્રતિબંધ મુકાયા પહેલાનો ડોક ઉપર નિકાસની રાહ જોઈ રહેલો માલ કસ્ટમના કબ્જામાં હજુ સુધી પડ્યો છે.આ માલ બગડી જાય તે પહેલા તેની નિકાસ થઇ જવી જરૂરી છે.તેથી કંટેનમેન્ટમાં પડેલા માલની તાત્કાલિક નિકાસ કરવા દેવા મુંબઈ હાઇકોર્ટ સમક્ષ દાદ માંગી છે.
          જેમાં જણાવાયા મુજબ જો આ માલની નિકાસ નહીં થાય તો ડુંગળીનું ઉત્પાદન કરતા મહારાષ્ટ્રના ખેડૂતોને મોટું નુકશાન થશે.કેમકે પ્રતિબંધ મુકાયા પહેલા નિકાસ માટે તે પોર્ટ ઉપર પહોંચી ગયેલો છે.ઉપરાંત નિકાસ માટેના માલનું શિપિંગ બિલ પણ આવી ગયું છે.પરંતુ તેની મુદત 26 સપ્ટેમ્બરના રોજ પુરી થાય છે.
          ઉપરોક્ત પિટિશનના અનુસંધાને નામદાર કોર્ટના ન્યાયધીશો શ્રી ઉજ્જલ ભુયન ,તથા શ્રી અભય આહુજાની ખંડપીઠે જણવ્યું હતું કે શિપિંગ બિલની મુદત પુરી થઇ જવામાં હોવા છતાં મામલો હાઇકોર્ટમાં હોવાથી તે મુદત પુરી થયેલી નહીં ગણાય.સાથોસાથ  કસ્ટમ ડિપાર્ટમેન્ટને ડુંગળી બગડી જાય ત્યાર પહેલા આ માલનો નિકાલ થઇ જાય અને નિકાસ થાય તે માટે  નિર્ણય લઇ લેવા આદેશ કર્યો છે. આગામી સુનાવણી 29 સપ્ટેમ્બરના રોજ છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)