Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

બિહાર ચૂંટણી માટેના મુદ્દાઓ મુંબઈથી પાર્સલ થશે : શિવસેના

બિહારની ચૂંટણી જાહેર થતાં રાજકારણમાં ગરમાવો : સુશાંતની આત્મહત્યા ઉપર કેટલાક ચૂંટણી લડશે : રાઉત

મુંબઈ, તા. ૨૬ : બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું કે બિહારમાં જો પુરતા મુદ્દા ના મળે તો મુંબઈથી કેટલાક પાર્સલ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે બોલીવૂડના સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના નિધનના સંદર્ભમાં તેમણે સરકાર પર કટાક્ષ કર્યો હતો. સુશાંત સિંહ રાજપૂત બિહારનો વતની હતો અને તેને પગલે ચૂંટણીમાં આ મુદ્દો ઉછાળામાં આવે તેવી સંભાવના છે.

શિવસેના નેતાએ જણાવ્યું કે, બિહારમાં ચૂંટણી વિકાસ, કાયદો-વ્યવસ્થા અને સુશાસન પર લડવી જોઈએ, પરંતુ આ મુદ્દાઓ હવે પુરા થઈ ગયા છે તો મુંબઈથી કેટલાક મુદ્દા પાર્સલ થઈ શકે છે.

૧૪ જૂનના મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરમાંથી સુશાંત સિંહ રાજપૂતની લટકેલી હાલતમાં લાશ મળી હતી. સુશાંત સિંહે કથિત આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે જો કે તેની હત્યા થઈ હોવાનો તેના પરિવારજનોએ દાવો કર્યો હોવાથી આ બાબતે સીબીઆઈ તપાસ કરી રહી છે. બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ મહારાષ્ટ્ર પોલીસ સહયોગ નહીં કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. પાંડે વીઆરએસ બાદ રાજકારણમાં પ્રવેશ કરી શકે છે તેવી પણ અટકળઓ ચાલી રહી છે. રાઉતે એવા સંકેત પણ આપ્યા છે કે શિવસેના પણ બિહારમાં ચૂંટણી લડી શકે છે. રાઉતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ચૂંટણીને લઈને ૨-૩ દિવસમાં નિર્ણય કરશે. બિહારમાં ચૂંટણી જાતિ અને અન્ય બાબતો પર લડવામાં આવે છે. શ્રમ કાયદો અને કૃષિ ખરડાઓ બિહાર ચૂંટણીના મુદ્દા નહીં હોય.

(12:00 am IST)