Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

સજાતીય સબંધો ધરાવતા ,જાતીય પરિવર્તન કરાવેલા , તેમજ કિન્નર તરીકે ઓળખાતા લોકો ઉપર થતા જાતીય હુમલાઓ સામે રક્ષણ અપાવો : આવા લોકોને સ્ત્રી ,કે પુરુષને બદલે ત્રીજી વ્યક્તિ તરીકે ઓળખવા માત્રથી રક્ષણ મળી જતું નથી : ઇન્ડિયન પીનલ કોડમાં રહેલી દરેક નાગરિક માટે સુરક્ષાની જોગવાઈ આ લોકોને પણ લાગુ પડવી જોઈએ : સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી

ન્યુદિલ્હી : સજાતીય સબંધો ધરાવતા ,જાતીય પરિવર્તન કરાવેલા , તેમજ કિન્નર તરીકે ઓળખાતા લોકો ઉપર થતા જાતીય હુમલાઓ સામે રક્ષણ આપવા માટે  ઇન્ડિયન પીનલ કોડમાં કોઈ જોગવાઈ જણાતી નથી. તેથી આવા લોકો માટે પણ અન્ય લોકોની માફક સુરક્ષાની જોગવાઈ કરાવવા સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે.
એડવોકેટ રીપલ કન્સલે કરેલી જાહેર હિતની આ અરજીમાં જણાવાયા મુજબ આવા લોકો ઉપર જાતીય હુમલાઓ થતા હોય છે.પરંતુ તેમના રક્ષણ માટેની ઇન્ડિયન પીનલ કોડમાં જોગવાઇનો અભાવ ભારતના બંધારણની કલમ 14 ,15 ,તથા 21 ના ભંગ સમાન છે.તેથી આવા લોકો ઉપર થતા જાતીય હુમલાઓ ખાળવા માટે ઇન્ડિયન પીનલ કોડની જોગવાઈ અંગે જાહેર જનતા સમક્ષ જાણ કરવા અરજ કરાઈ છે.આવા લોકો પ્રત્યે ભેદભાવ રાખવો તે બાબત કલમ 14 ,16 ,તથા 21 નો અનાદર છે.
એડવોકેટે વિશેષમાં જણાવ્યા મુજબ નામદાર કોર્ટએ સજાતીય સબંધ ધરાવતા કે જાતીય પરિવર્તન કરાવેલા કે કિન્નર લોકોની ઓળખ  માટે સ્ત્રી ,પુરુષ ,સિવાયની  ત્રીજી વ્યક્તિ એવી જોગવાઈ રાખી છે.પરંતુ માત્ર આ જોગવાઇથી આ લોકોને જાતીય હુમલા સામે રક્ષણ મળી જતું નથી.
તેમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું  કે આવા લોકો ઉપર થતા હુમલાઓની  સંખ્યા વધી રહેલી જોવા મળેલી છે.એટલું જ નહીં સમાજ દ્વારા તેમનો બહિષ્કાર પણ થતો જોવા મળે છે.પોલીસ તંત્ર અને જેલમાં પણ આવા 15 ટકા જેટલા લોકો ઉપર હુમલા થતા જોવા મળ્યા છે.આ લોકો માટે અલગ જેલની કે સલામતીની પણ વ્યવસ્થા નથી.તેથી ઇન્ડિયન પીનલ કોડમાં રહેલી સુરક્ષાની જોગવાઈ આ લોકોને પણ લાગુ પડશે તેવી સ્પષ્ટતા કરવા અરજ કરાઈ છે.તેમજ બંધારણમાં પણ આ લોકો ઉપર થતા હુમલાઓ સામે રક્ષણ આપવા માટે બંધારણમાં પણ જોગવાઈ થવી જોઈએ તેવી અરજ કરી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)