Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

'પબજી' પ્રતિબંધથી મુક્તિ મેળવવા રિલાયન્સના શરણે: જિયોને ભારતમાં ફ્રેન્ચાઈઝી ઓફર કરી

ભારતમાં ગેમ ડિસ્ટ્રિબ્યુશન માટે રિલાયન્સ જિયો સાથે વાતચીત

નવી દિલ્હી : ભારત સરકારે તાજેતરમાં જ લોકપ્રિય ગેમ પબજી પર પ્રતિબંધ લગાવ્યો હતો. ભારતમાં પરત ફરવા કંપનીએ ચીનની કંપની ટેન્સેન્ટ પાસેથી પબજી મોબાઈલની ફ્રેન્ચાઈઝી પાછી લઈ લીધી છતાં ભારત સરકારે નમતું ઝોખ્યું નથી. પબજીએ વધુ એક પ્રયાસ કર્યો છે. જે મુજબ ભારતમાં પબજીની ફ્રેન્ચાઈઝી જિયોને આપવા પ્રયત્નો શરૂ કરાયા છે. ભારતમાં ગેમ ડિસ્ટ્રિબ્યુશન માટે રિલાયન્સ જિયો સાથે વાતચીત કરવામાં આવી રહી છે. વાટાઘાટો હજુ પ્રારંભિક તબક્કામાં છે. ડીલ અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ શક્યતા છે કે રિલાયન્સ જિયોને ડિસ્ટ્રિબ્યુશન મળી શકે છે.

   ચાઈનીઝ એપને મળતો ભારતીય યુઝર્સનો ડેટા રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી બનવાની શક્યતાઓ સાથે 118 એપ્સ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવનું વાતાવરણ છે અને તેના કારણે ભારત સરકાર ચીન સામે આક્રમક વલણ અપનાવી રહી છે. સરકારે ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે જિયો સાથેની વાટાઘાટો કેટલી સફળ રહે છે અને ભારતમાં પબજી પરત શરૂ થશે કે નહીં તે જોવું રહ્યું.

(12:00 am IST)