Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહનું નિધન : રાજકારણમાં જોડાયા પહેલા જશવંતસિંહે સૈન્યમાં ફરજ બજાવી હતી : વડાપ્રધાને શ્રધ્ધાંજલી પાઠવી

ર૦૧૪માં ઘરમાં બાથરૂમમાં પડી જતા ગંભીર ઇજાને કારણે કોમામાં જતા રહેલા

નવી દિલ્હી: દેશના પૂર્વ રક્ષામંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જસવંત સિંહ (Jaswant Singh) નું નિધન થયું છે. તેમના નિધન પર પીએમ નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

અત્રે જણાવવાનું કે જસવંત સિંહ 1999થી 2004 સુધીની અટલ બિહાર વાજપેયી સરકારમાં કોર ટીમમાં સામેલ હતાં. તેમણે સરકારમાં રક્ષામંત્રી સહિત અનેક મંત્રાલયોનો પદભાર સંભાળ્યો હતો. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને કોમામા હતા.

તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે જસવંત સિંહજીએ પહેલા એક સૈનિક તરીકે અને ત્યારબાદ રાજનીતિ સાથે પોતાના લાંબા જોડાણ દરમિયાન દેશની સેવા પૂરી મહેનતથી કરી. તેમણે અટલજીની સરકારમાં અનેક મહત્વપૂર્ણ વિભાગો સંભાળ્યા હતા અને નાણા, રક્ષા તથા બહારના મામલાઓની દુનિયામાં એક મજબૂત છાપ છોડી. તેમના નિધનથી હું ખુબ દુ:ખી છું.

રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ કહ્યું કે જસવંત સિંહજીને તેમની  બૌદ્ધિક ક્ષમતાઓ અને દેશ માટે કરાયેલી યાદગાર સેવાઓ માટે હંમેશા યાદ રાખવામાં આવશે. તેમણે રાજસ્થાનમાં ભાજપને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. દુ:ખની ઘડીમાં તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના.

(12:03 pm IST)