Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

NCBની પૂછપરછમાં દીપિકા પાદુકોણ ત્રણ વખત ભાંગી પડી

શુક્રવારે દીપિકાની એનસીબીએ પુછપરછ કરી હતી : દીપિકા સવારે ૧૦ વાગ્યા પહેલા કોલાબાની એનસીબી ઓફિસ પહોંચી હતી, બપોરે લગભગ ૩.૩૦ વાગ્યે નીકળી

મુંબઈ,તા.૨૭ : સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ કેસની તપાસ દરમિયાન ડ્રગ્સ એંગલ સામે આવ્યો છે. શુક્રવારે દીપિકા પાદુકોણની એનસીબી દ્વારા ડ્રગ્સના કેસમાં સંડોવણી હોવાની શંકાના આધારે પૂછપરછ કરવામાં આવી હતી. અભિનેત્રી સવારે ૧૦ વાગ્યા પહેલા કોલાબાની એનસીબી ઓફિસ પહોંચી હતી અને બપોરે લગભગ ૩.૩૦ વાગ્યે નીકળી ગઈ હતી. મીડિયા રિપોર્ટ મુજબ એનસીબીની પૂછપરછ દરમિયાન દીપિકા ત્રણ વાર ભાંગી પડી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, પૂછપરછ દરમિયાન દીપિકા ત્રણ વખત રડી પડતાં એનસીબીના અધિકારીએ હાથ જોડીને તેને વિનંતી કરી હતી કે, ઈમોશનલ કાર્ડના વાપરે અને જે સાચું હોય તે જણાવી દે. દીપિકાએ પૂછપરછમાં ૨૦૧૭માં મેનેજર કરિશ્મા પ્રકાશ સાથે થયેલી ડ્રગ્સ ચેટ કબૂલી છે. જો કે, તેણે કોઈપણ પ્રકારના ડ્રગ્સ લીધા હોવાની વાત નકારી છે. આ દરમિયાન એનસીબી દ્વારા દીપિકા પાદુકોણનો ફોન પણ કબજે કરવામાં આવ્યો છે.

             આઈએએનએસના અહેવાલ મુજબ એનસીબીના એક સૂત્રએ જણાવ્યું છે કે, એનસીબી દ્વારા ઈન્ડિયન એક્ટ હેઠળ દીપિકા, કરિશ્મા, રકુલ અને ખંબાટાના ફોન કબજે કરવામાં આવ્યા છે. દીપિકા શુક્રવારે રાત્રે પતિ રણવીર સિંહ સાથે ગોવાથી મુંબઇ પરત આવી હતી. એક્ટ્રેસ ગોવામાં શકુન બત્રાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શુક્રવારે રકુલ અને સિમોન તેમજ શનિવારે દીપિકા અને કરિશ્માની કલાકો સુધી પૂછપરછ બાદ તેમના ફોન જપ્ત કરાયા હતા. શનિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે દીપિકાની પાંચથી વધુ કલાક અને શુક્રવારે રકુલની ૪થી વધુ કલાક પૂછપરછ કરી હતી. કરિશ્મા પ્રકાશની શુક્રવાર અને શનિવાર એમ કુલ બે દિવસ પૂછપરછ કરાઈ હતી. જ્યારે સિમોન ખંબાટાની શુક્રવારે પૂછપરછ થઈ હતી.

(7:31 pm IST)