Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

કોલેસ્ટ્રોલની દવા કોરોનાનું ૫૦ ટકા જોખમ ઘટાડી શકે

દવા કોરોના વાયરસના ફ્યુઝનને અટકાવે છે : AJC-EMBOમાં પ્રકાશિત સંશોધન મુજબ સ્ટેટિન્સથી કોરોનાના દર્દીઓમાં આ રોગ ૫૦% સુધી ઘટાડી શકાય છે

નવી દિલ્હી,તા.૨૭ : સ્ટેટિન્સ (કોલેસ્ટ્રોલ ઘટાડતી દવા) કોવિડ -૧૯ દર્દીઓમાં રોગની તીવ્રતા ઘટાડવામાં મદદ કરી શકે છે? અમેરિકન જર્નલ ઓફ કાર્ડિયોલોજી અને ઈએમબીઓ જર્નલમાં પ્રકાશિત બે તાજેતરના સંશોધન આ થિયોરીને સમર્થન આપે છે. એજીસી અને ઈએમબીઓમાં પ્રકાશિત સંશોધન મુજબ સ્ટેટિન્સથી કોરોનાના દર્દીઓમાં આ રોગ ૫૦ ટકા સુધી ઘટાડી શકાય છે. સ્ટેટિન્સની દવાઓ સસ્તી હોય છે (ટેબ્લેટ દીઠ રૂ. ૫થી ૫૦) અને સરળતાથી મળી રહે છે. એજીસીમાં ૧૫ સપ્ટેમ્બરના રોજ થયેલા સંશોધને કોવિડ -૧૯ના ૧૭૦ દર્દીઓનું વિશ્લેષણ કર્યું હતું. આ તમામને સેન ડિએગો મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંશોધન મુજબ દાખલ થતાં પહેલાં સ્ટેટિન્સના ઉપયોગથી કોવિડને ૫૦% ગંભીર સ્વરૂપ લેતા અટકાવવામાં મદદ મળી. સંશોધનકારો કહે છે કે સ્ટેટિન્સમાંથી રિકવરી પણ ઝડપથી થાય છે.

             ઈએમબીઓના અભ્યાસમાં કોલેસ્ટ્રોલ અને લિપિડ મેટાબૉલિઝ્મમાં સામેલ સીએચ૨૫એચ જીનમાં એન્ટિ-કોરોના વાયરસની પ્રવૃત્તિ મળી છે. જે કોરોના વાયરસના ફ્યુઝનને અટકાવે છે. સ્ટેટિન્સનું કાર્ય ધમનીઓમાંથી કોલેસ્ટેરોલને દૂર કરવાનું છે. ફોર્ટિસ સી-ડોક હોસ્પિટલના અધ્યક્ષ ડો.અનૂપ મિશ્રાએ કહ્યું કે, બીજા અધ્યયનમાં સ્ટેટિન્સ સેલ પટલમાંથી વાયરસના ફ્યુઝનને અટકાવી શકે છે. એટલે કે તેની એન્ટ્રી બ્લોક થઈ જાય છે. ડો.મિશ્રાએ કહ્યું, આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અભ્યાસ છે. મોટાભાગના હાર્ટના દર્દીઓ અને ડાયાબિટીઝના દર્દીઓ પણ સ્ટેટિન્સ લે છે અને સંશોધન મુજબ આ દવાઓ લેવાથી ચેપની ગંભીરતા ઓછી થાય છે. મેક્સ સાકેટમાં મેડિસિન ડિપાર્ટમેન્ટના સહયોગી નિયામક ડો. રોમેલ ટિક્કુએ જણાવ્યું હતું કે જો સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ દવા કોવિડ દર્દીઓના મૃત્યુને અટકાવી શકે તો તે ખૂબ જ મદદરૂપ થશે. તેમણે કહ્યું કે, કોવિડ દર્દીઓમાં રક્તવાહિની અને થ્રોમ્બોટિક રોગોનું જોખમ રહેલું છે. સ્ટેટિન્સમાં એવા ગુણ હોઈ શકે છે જે કોવિડ દર્દીઓને રાહત પૂરી પાડે છે.

(7:26 pm IST)