Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

કોરોના : દેશમાં છ મહિનામાં ૬૦ લાખથી વધારે ચેપગ્રસ્તો

રિકવરી રેટ વધી ૮૨.૪૬ ટકા : સ્વાસ્થ્ય મંત્રાલય : નવા ૮૮,૬૦૦ કોરોના સંક્રમણના કેસ : વધુ ૧,૧૨૪ લોકોના કોરોનાથી મોત થતાં કુલ મૃત્યુઆંક ૯૪,૫૦૩

નવી દિલ્હી, તા. ૨૭ ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. છ મહિનામાં કોરોનાના પોઝિટિવ દર્દીઓનો ગ્રાફ ૬૦ લાખને આંબી ગયો છે. રવિવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ૨૪ કલાકમાં નવા ૮૮,૬૦૦ કોરોના સંક્રમણના કેસો નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં ૪૯ લાખ લોકોએ કોરોનાને માત આપી હોવાથી રિકવરી રેટા ૮૨.૪૬ ટકા રહ્યો હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. ડેટા મુજબ દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો ૫૯,૯૨,૫૩૨ નોંધાયો છે. ૨૪ કલાકમાં વધુ ૧,૧૨૪ લોકોના કોરોનાથી મોત થતા કુલ મૃત્યુઆંક ૯૪,૫૦૩ થયો છે. કેન્દ્રીય મંત્રાલયે સવારના ૮ વાગ્યાની સ્થિતિ મુજબ આ ડેટા રજૂ કર્યા છે. દેશમાં કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૪૯,૪૧,૬૨૭ થઈ છે. ભારતમાં કોરોનાનો અજગરી ભરડો જોવા મળે છે. નવા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં રોજ વધારો થતો જાય છે.

             કોરોનાને નાથવાના કેન્દ્ર અને રાજ્ય સરકારના અથાગ પ્રયત્નો છતા હજુ પણ તે અંકુશમાં આવતો હોવાના કોઈ ચિહ્નો સ્પષ્ટ નથી થઈ રહ્યા. દેશમાં કુલ ૯,૫૬,૪૦૨ સક્રિય કેસો છે જે કુલ કેસલોડના ૧૫.૯૬ ટકા થાય છે. કોવિડ ૧૯ને પગલે મૃત્દર ૧.૫૮ ટકા નોંધાયો છે. દેશમાં ૭ ઓગસ્ટના સૌપ્રથમ ૨૦ લાખ કેસનો આંક પાર થયો હતો. ૨૩ ઓગસ્ટના ૩૦ લાખનો આંકડો વટાવ્યો હતો જ્યારે ૫ સપ્ટેમ્બરના ૪૦ લાખ તેમજ ૧૬ સપ્ટેમ્બરના ૫૦ લાખ દર્દીઓનો આંકડો વટાવી દીધો હતો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના મતે કોરોનાના કુલ મળીને ૭,૧૨,૫૭,૮૩૬ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. શનિવારે ૯,૮૭,૮૬૧ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કેટલાક રાજ્યોમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યા હોવાથી પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ વધી રહી હોવાનો અંદાજ છે. વિતેલા ૨૪ કલાકમાં વધુ ૧,૧૨૪ લોકો કોરોના સામે જિંદગી હારી ગયા હતા. મહારાષ્ટ્રમાં ૪૩૦ કોરોનાથી મોત નોંધાયા હતા. કર્ણાટકમાં ૮૬, તમિલનાડુમાં ૮૫, ઉત્તર પ્રદેશમાં ૬૭, આંધ્ર પ્રદેશમાં ૫૭, પશ્ચિમ બંગાળમાં ૫૬, પંજાબમાં ૫, દિલ્હીમાં ૪૬ અને છત્તીસગઢમાં ૪૦ દર્દીઓના મોત થયા હતા. કોરોનાથી અત્યાર સુધીમાં થયેલા કુલ ૯૪,૫૦૩ મૃત્યુ સામે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૫,૧૫૧ લોકોના મોત થયા છે. તમિલનાડુમાં ૯,૨૩૩, કર્ણાટકમાં ૮,૫૦૩, આંધ્ર પ્રદેશમાં ૫,૬૬૩, ઉત્તર પ્રદેશમાં ૫,૫૧૭, દિલ્હીમાં ૫,૧૯૩, પશ્ચિમ બંગાળમાં ૪,૭૨૧, ગુજરાતમાં ૩,૪૦૬, પંજાબમાં ૩,૧૮૮ અને મધ્ય પ્રદેશમાં ૨,૧૮૧ લોકોના મોત થયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના મતે દેશમાં કોરોનાથી થયેલા મૃત્યુમાં ૭૦ ટકા લોકોના મૃત્યુ કોમોર્બીડિટીથી (કોરોના સાથે અન્ય બીમારી) થયા છે.

(9:14 pm IST)