Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

ઈન્દોરની હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારી, લાશોની અદલાબદલી

રસ્તામાં લાશોની અદલા બદલી કરી હતી : એમ્બ્યુલન્સમાં ૬૦ કિમી દૂર ગયા ત્યાં ફોન આવ્યો કે, લાશ ખોટી આપી દીધી છે : બંને પરિવારોનો ભારે હંગામો

ઇન્દોર, તા. ૨૭ : મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોરોના કાળમાં હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. ઇન્દોરની ગ્રેટર કૈલાશ હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે લાશોની અદલા બદલી થઈ જતાં ઉહાપોહ મચી ગયો છે. જેના કારણે બે પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા અને હોસ્પિટલ જઇને હંગામો કર્યો હતો. ખંડવામાં રહેતા એક વેપારીનું મોત રાત્રે થયું હતું. ત્યારબાદ સવારે હોસ્પિટલ પ્રશાસને તેમની લાશને પરિજનોને સોંપી દીધી હતી. પરિવારના સભ્યો એમ્બ્યુલન્સ મારફતે લાશને લઇને ઇન્દોરથી નિકળ્યા હતા. તેઓ ઇન્દોરથી ૬૦ કિમી દૂર પહોંચ્યા તો તેમને હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે ભૂલથી લાશોની અદલ બદલ થઇ છે. તેમની પાસે જે લાશ છે તે મહુમાં રહેતા વૃદ્ધની છે.

             આ ઘટના ત્યારે ઉજાગર થઇ જ્યારે મહુમાં રહેતો પરિવાર પોતાના પરિજનની લાશ લેવા હોસ્પિટલ આવ્યો. તેમના પરિવારના એક વૃદ્ધ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ થતા તેમના પરિવારને જાણ કરી હતી અને પરિવાર હોસ્પિટલ પહોંચ્યો. હોસ્પિટલના સ્ટાફે જોયું તો ખબર પડી કે લાશ તો ખંડવાના વેપારીની છે. ત્યારબાદ ખંડવા જઇ રહેલા પરિવારને પરત બોલાવ્યો અને રસ્તામાં લાશોની અદલા બદલી કરી હતી.

(9:18 pm IST)