Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

બિહારમાં બેઠકોને લઈને ભાજપ-જેડીયુ વચ્ચે ખેંચતાણ

એલજેપીનો ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય : ભાજપ-જેડીયુ ૫૦-૫૦ ટકા સીટ ઉપર લડે તેવી શક્યતા

પટણા, તા. ૨૭ : બિહાર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને જેડીયુ વચ્ચે બેઠકોની વહેંચણી માટે ખેંચતાણ ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે બંને પક્ષો ૫૦-૫૦ ટકા બેઠકો પર ચૂંટણી લડી શકે છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ બંને પાર્ટીઓ ૧૭-૧૭ બેઠકો પર લડી હતી. આ જ ફોર્મ્યુલા વિધાનસભા ચૂંટણી માટે પણ લાગુ થાય તેવી સશક્યતા છે.જોકે એનડીએમાં સહયોગી એવી લોક જનશક્તિ પાર્ટીએ આ વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે ઝુકાવવાનુ નક્કી કર્યુ છે.એલજેપી ૧૪૩ ઉમેદવારોને જંગમાં ઉતારશે. આ જાહેરાતે ભાજપ અને જેડીયુનુ ટેન્શન થોડુ વધારી દીધુ છે.

જેડીયુનુ કહેવુ છે કે, બેઠકોની વહેંચણીને લઈને કોઈ પરેશાની નથી, સમય આવે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.એનડીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી કરતા પણ વધારે સારો દેખાવ વિધાનસભાની આ ચૂંટણીમાં કરશે.ભાજપ ઈચ્છે છે કે, જે રીતે લોકસભા ચૂંટણી વખતે ભાજપે જેડીયુના માત્ર બે સાંસદ હોવા છતા લોકસભાની બેઠકોની સરખા ભાગે વહેંચણી કરી તે જ રીતે નિતિશ કુમાર આ વખતે વિધાનસભામાં સરખા ભાગે બેઠકો પર લડવાની તૈયારી બતાવે

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી એવુ થતુ આવ્યુ છે કે, વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને જેડીયુના ગઠબંધનમાં વધારે બેઠકો જેડીયુના ફાળે ગઈ હોય.૨૦૧૦માં જેડીયુ ૧૪૧ અને ભાજપ ૧૦૨ બેઠકો પર ચૂંટણી લડી હતી.

(9:20 pm IST)