Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

શિવસેનાનો પલટવાર : કહ્યું - ભાજપે પૂર્વ હિંદુત્વ વિચારક સાવરકરને હજુ સુધી ભારત-રત્નનું સન્માન કેમ ના આપ્યું?

વીર સાવરકર હમેંશાથી શિવસેના અને હિદુંત્વ પ્રેરક રહ્યા છે

મુંબઈ : વીર સાવરકરના મુદ્દે મહારાષ્ટ્રમાં ફરી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્રારા વી.ડી, સાવરકરની આલોચના કરવા છતા મૌન રહેનાર શિવસેના પર બીજેપીએ પ્રહાર કર્યા હતા. ભાજપે કહ્યું હતું કે,એ લોકો સાવરકર હોલમાં રેલી તો કરે છે. પરંતુ સાવરકર માટે પ્રસંશા માટે એક શબ્દ બોલી શકતા નથી. આ વાતને લઇને રાજયસભા સાંસદ સંજય રાઉતે ભાજપ પર હુમલો કર્યો છે. શિવસેનાએ સોમવારે પલટવાર કરતા ભાજપને સવાલ પુછયો હતો કે, ભાજપે પૂર્વ હિંદુત્વ વિચારક સાવરકરને હજુ સુધી ભારત-રત્નનું સન્માન કેમ ના આપ્યું? મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારમાં કોંગ્રેસ સહયોગી છે.

શિવસેનાના મુખ્ય પ્રવકતા સંજય રાઉતે પત્રકારોને કહ્યું હતુ કે,દેશનું સર્વોચ્ય સન્માન ભારત રત્ન મહાન અને હિંદુત્વવાદી નેતા વીર સાવરકરને મળવું જોઇતું હતું. શિવસેના દર વખતે વાર્ષિક દશેરા રેલી વિશાળ શિવાજી પાર્કમાં કરતી આવી છે.પરંતુ આ વખતે કોરોનાની મહામારીને કારણે આ રેલી દાદરના સાવરકર હોલમાં રાખવામાં આવી હતી.પાર્ટીના અધ્યક્ષ ઉદ્વવ ઠાકરેએ સાવરકર હોલમાં વાર્ષિક દશેરા રેલીને સંબોધન કર્યું હતું.

શિવસેનાએ દાદરના સાવરકર હોલમાં રેલી કરી એટલે મહારાષ્ટ્ર બીજેપીના અધ્યક્ષ કેશવ ઉપાધ્યાયેએ સત્તાધારી પક્ષ પર સત્તા માટે હિંદુત્વ સાથે સમાધાન કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.ઉપાધ્યેએ કહ્યું હતું કે, કોંગ્રેસે સાવરકરની આલોચના કરી છતા ઉદ્વવ ઠાકરે એક શબ્દ પણ બોલ્યાં નહીં.અને હવે તેમણે સાવરકર હોલમાંથી દશેરા રેલીને સંબોધન કરવું પડયું હતું.

ઉપાધ્યેની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા સંજય રાઉતે કહ્યું કે, શિવસેના કયારેય પણ સાવરકર સાથે જોડાયેલા મુદ્દા પર ચુપ રહી નથી અને કયારેય રહેશે પણ નહીં. ભાજપનું નામ લીધા વગર રાઉતે કહ્યું હતું કે, પાર્ટીએ સાવરકર માટે શિવસેનાના વલણ બાબતે ઇતિહાસ તપાસી લેવા જોઇએ. રાજયસભા સાંસદે કહ્યું કે, વીર સાવરકર હમેંશાથી શિવસેના અને હિદુંત્વ પ્રેરક રહ્યા છે. જે લોકો અમારી પર આંગળી ઉઠાવી રહ્યા છે એ લોકો વીર સાવરકરને ભારત રત્ન કેમ નથી આપતા?. રાઉતે કહ્યું કે છેલ્લાં છ મહિનામાં તમે ઘણા લોકોને ભારત રત્ન પુરસ્કાર આપ્યા તો સાવરકરને ભારત રત્ન આપવામાં શું પરેશાની છે? મહારાષ્ટ્રમાં વિઘાનસભા ચૂંટણી પછી શિવસેનાએ બીજેપી સાથે છેડો ફાડીને કોંગ્રેસ અને એનસીપીના સહયોગથી મહારાષ્ટ્ર અઘાડી સરકાર બનાવી છે.

(10:11 am IST)