Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

નૈનિતાલ-મસૂરીમાં મળ્યા પ્રારંભિક જીવનના ચિન્હો

હિમાલયની તળેટીમાં કરાયેલ રિસર્ચમાં ૫૪.૧ કરોડ વર્ષ જૂના જીવાશ્મી અવશેષો મળ્યા

નૈનિતાલ,તા.૨૭ : નૈનિતાલ, મસૂરી અને ઋષીકેશ નજીકના શિવપુરી ક્ષેત્રમાં પૃથ્વી પર પ્રારંભિક જીવન દર્શાવનારા જીવાશમી અક્રિટાર્ક અને સ્પોન્જ મળી આવ્યા છે, જે શરૂઆતના બહુકોષિય જીવોની અસાધારણ વિવિધતા દર્શાવે છે,  કુમાઉ અને ગઢવાલમાં હિમાલયની તળેટી એટલે કે લેસર હિમાલય ક્ષેત્રમાં ન્યુ પ્રોટેરોજોઇક અને કેંબ્રીયન યુગ (૫૪.૧ કરોડ વર્ષ પહેલા)ના ભૂવૈજ્ઞાનિક રિસર્ચમાં આ ચોંકાવનારા પરિણામો મળ્યા છે.

વાડિયા ઇન્સ્ટીટયુટ ઓફ હિમાલય જીયોલોજીના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક ડોકટર મીરા તિવારી અને કુમાઉ યુનિવર્સીટીમાં ભૂ-વિજ્ઞાનના સીનીયર પ્રોફેસર ડો. રાજીવ ઉપાધ્યાયના નિર્દેશનમાં રીસર્ચ કરનારી પિથૌરાગઢ ગવર્નમેન્ટ કોલેજની સહાયક પ્રોફેસર ડોકટર હર્ષિતા જોષીએ ૧૪ ઓકટોબરે નેધરલેન્ડના જર્નલ એલસીવિયર રિસર્ચમાં પ્રકાશિત પોતાના રિસર્ચ દ્વારા આવો દાવો કર્યો છે. તેમના અનુસાર હાલમાં જ્યાં હિમાલય છે ત્યાં ૫૪.૧ કરોડ વર્ષ પહેલા સમુદ્ર હતો, પુરાતન હિમયુગ ખતમ થયો પછી સમુદ્રનું તાપમાન વધ્યુ હતું.

ત્યાર પછી જવાળામુખીઓમાંથી નિકળેલા પોષક પ્રવાહીઓ થી સમુદ્ર કિનારે જીવ વિવિધતાઓમાં વધારો થયો. આ જીવોના જીવાશ્મિ આજે પણ લેસર હિમાલયન વિસ્તારોમાં મળી આવે છે. મસૂરી અને શિવપૂરી ક્ષેત્રમાં મળેલ મેગાથ્રીકસ અને પરદિએગાનેલ્લા નામના જીવાશ્મી પણ પુરાતન મેટાજોન છે, જે અહીં પહેલીવાર મળી આવ્યા છે.

(12:55 pm IST)