Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સંધિવાના દર્દીઓને દવા લેવાની પધ્ધતિમાં થયું નવું સંશોધન

સંધિવાની દવાથી થતી સાઈડ ઇફેકટ જેવી કે ઉલટી થવી, ચક્કર આવવા, ચામડી લાલ થઈ જવી, પેટનો દુખાવો હવે થશે ભૂતકાળ

નવી દિલ્હી,તા. ૨૭: સંધિવાની દવાની સાઈડ ઈફેકટથી દ્યણી વખત દર્દીઓ પરેશાન થઈ જાય છે. ભારતના વિજ્ઞાનિકોએ સંધિવાની દવાથી થતી સાઈડ્સ ઈફેકટ રોકવા માટે દવા આપવાની પદ્ઘતિમાં સુધારો કર્યો છે. નવી શોધ પછી દવા આખા શરીરમાં અસર કરવાને બદલે માત્ર પ્રભાવિત અંગને જ અસર કરશે. તેનાથી આખા શરીરમાં થતી સાઈડ ઈફેકટ અટકશે.

પંજાબની લવલી પ્રોફેશ્નલ યુનિવર્સિટીના સંશોધકોનો એક અહેવાલ મટિરિયલ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ સી નામની સાયન્સ જર્નલમાં પ્રસિદ્ઘ થયો છે. એમાં દાવો થયો હતો કે યુનિવર્સિટીના સંશોધકોએ સંધિવાની દવા આપવાની જે નવી પદ્ઘતિ શોધી કાઢી છે તે ખૂબ જ અસરકારક સાબિત થશે.

પ્રોફેસર ભૂપિંદર કપૂરે જણાવ્યું હતું કે સંધિવાનો ડોઝ આપવાથી દ્યણી વખત દર્દીને તેની સાઈડ ઈફેકટ થાય છે. હજુ સુધી એ સાઈડ ઈફેકટ નિવારી શકાય તે દિશામાં ખાસ સંશોધનો થયા નથી. યુનિવર્સિટીના વિજ્ઞાાનીઓએ જે ડોઝ આપવાની જે પદ્ઘતિ શોધી છે તે માત્ર જે તે હિસ્સામાં જ અસર કરશે. આખા શરીર સુધી દવાની અસર થશે નહીં તેના કારણે સાઈડ ઈફેકટ જેવી કે ઉલટી થવી, ચક્કર આવવા, ચામડી લાલ થઈ જવી, પેટનો દુખાવો વગેરે ટાળી શકાશે.

યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું આ સંશોધન કિલનિકલ ટ્રાયલ હેઠળ છે. તેના પરીક્ષણમાં નોંધપાત્ર સફળતા મળી હોવાનો દાવો થયો હતો. ભારતમાં સંધિવાના દર્દીઓની સંખ્યા દર વર્ષે લાખોમાં ઉમેરાય છે. ૬૦-૬૫ વર્ષ પછી સંધિવાની તકલીફ વધતી હોવાથી અસંખ્ય લોકોને નિયમિત દવા પર આધાર રાખવો પડે છે.

(3:34 pm IST)