Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

પેશાવરમાં ભયંકર વિસ્ફોટઃ સાતના મોતઃ અનેક બાળકો સહિત ૭૦ને ઈજા

મદરેસામાં ચાલુ કલાસમાં બ્લાસ્ટ થયોઃ પાંચ કિલો વિસ્ફોટક વપરાયો હોવાની આશંકા

પેશાવર, તા.૨૭: પાકિસ્તાનના પેશાવરમાં મદરેસામાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટનામાં સાત લોકોના મોત નિપજયા છે જયારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોમાં મદરેસાની અંદર અભ્યાસ કરનારા બાળકોનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ય જાણકારી પ્રમાણે જે મદરેસામાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો છે તે પેશાવરની દીર કોલોનીમાં આવેલ છે.

પાકિસ્તાની મીડિયાના અહેવાલ પ્રમાણે ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમજ સ્થાનીક હોસ્પિટલે સાત લોકોના મોત નિપજયા હોવાની પુષ્ટી કરી છે. પ્રાપ્ય માહિતી અનુસાર મદરેસાની અંદર કોઈ વ્યકિત પોતાની બેગમાં વિસ્ફોટક લઈને ગયો હતો અને જયારે મદરેસામાં કલાસ ચાલી રહ્યો હતો તે સમયે જ ત્યાં બ્લાસ્ટ થયો હતો.

પ્રાથમિક તપાસ અનુસાર જાણવા મળ્યું છે કે બ્લાસ્ટ માટે આઈઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલમાં સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે. મદરેસામાં બ્લાસ્ટ માટે પાંચ કિલો વિસ્ફોટકનો ઉપયોગ થયો હોય તેવો અંદાજો લગાવાઈ રહ્યો છે.

(3:35 pm IST)