Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

નરેશ કનોડિયાનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન

ચૌધાર આંસુએ રડી પડ્યા પુત્ર હિતુ કનોડિયા અને લાખો ચાહકો

અમદાવાદ, તા. ર૭ : સુપરસ્ટાર નરેશ કનોડિયાના નિધનથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને કયારેય ન પુરાય તેવી ખોટ પડી છે. તેમના નિધનના સમાચારથી અન્ય કલાકોર શોકમગ્ન થયા છે. બે દિવસના ગાળામાં ગુજરાતે રામ-લક્ષ્મણની જોડી ગુમાવી છે. નરેશ કનોડિયા જયારે હોસ્પિટલના બિછાને હતા ત્યારે કોરોના ગ્રસ્ત હતા. તેથી કોરોનાની ગાઇડલાઇન મુજબ તેમના અંતિમ સંસકાર કરવામાં આવ્યા છે. યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી તેમના મૃતદેહને ગાંધીનગર સ્મશાન ગૃહમાં લઇ જવાયા હતા. ત્યારે રસ્તા પર ચાહકોએ તેમના પાર્થિવ દેહ પર ફુલોનો વરસાદ કર્યો હતો. તો ફુલ અર્પણ કરતા ત્યાં ઉપસ્થિત તમામ લોકો ચોધાર આંસુએ રડી પડયા હતા. સ્મશાન ગૃહમાં મોટી સંખ્યામાં તેમના ચાહકો ઉમટી પડયા હતા. તો સાથે જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તથા સંગીત જગતની અનેક મોટી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી.

ગુજરાતી કલા જગતના વટવૃક્ષ હતા મહેશ-નરેશ

ગુજરાતી ફિલ્મોના ડિરેકટર અભિલાષ ઘોડાએ કનોડિયા ભાઇઓને ગુજરાતી કલા જગતના વટવૃક્ષ ગણાવ્યા હતા. તેઓએ કહ્યું કે, ગુજરાતી કલા જગત માટે મહેશ-નરેશ વટવૃક્ષ સમાન હતા. બંને ભાઇઓ રામ લક્ષ્મણની જોડી હતા. સામાજિક અને રાજકીય ક્ષેત્રે પોતાનું સ્થાન બનાવ્યું હતું. મહેશ બાપા પથારીવશ હતા અને નરેશભાઇના સમાચાર મળતા એ બોલ્યા નહિ, સવારે ઉઠયા નહીં.

(3:36 pm IST)