Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

'તેરે બિના ભી કયા જીના..' વાયરલ થયો સ્વ. મહેશ-નરેશનો વિડીયો

મહેશ અને નરેશ ખરેખર એકબીજા વિના નહીં જીવી શકે તેની કલ્પના કોઈએ ભાગ્યે જ કરી હશે

અમદાવાદ, તા.૨૭: બે દિવસના ગાળામાં જ દુનિયામાંથી વિદાય લેનારી ગુજરાતની શાનસમા મહેશ-નરેશનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં પથારીવશ રહેલા મહેશ કનોડિયાનો તેમના નાના ભાઈ નરેશ કનોડિયાના માથા પર હાથ મૂકીને જાણીતું હિન્દી સોંગ 'ઓ સાથી રે તેરે બિના ભી કયા જીના..' ગાઈ રહ્યા છે.

આ વિડીયો કયારે શૂટ કરાયો છે તેની તો કોઈ માહિતી ઉપલબ્ધ નથી, મહેશ અને નરેશ ખરેખર એકબીજા વિના નહીં જીવી શકે તેની કલ્પના કોઈએ ભાગ્યે જ કરી હશે. આજે આ બંને સ્ટાર્સ આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે તેમનો આ વિડીયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો છે.

૧૦૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપનારી અને દેશ-વિદેશમાં શો કરીને દુનિયાભરમાં વસતા ગુજરાતીઓનું મનોરંજન કરનારી જુગલ જોડી મહેશ-નરેશ હવે આ દુનિયામાં નથી રહી. લાંબા સમયથી લકવાગ્રસ્ત રહેલા મહેશ કનોડિયાએ બે દિવસ પહેલા અંતિમ શ્વાસ લીધા બાદ આજે સવારે નરેશ કનોડિયાનું પણ અવસાન થયું છે.

હજુ તો મહેશ કનોડિયાના મોતના આદ્યાતમાંથી તેમના ચાહકો બહાર આવે, તે પહેલા જ આજે નરેશ કનોડિયા સ્વર્ગે સિધાવ્યા હોવાના સમાચાર આવતા ચાહકોને બેવડો આઘાત લાગ્યો હતો.

આજીવન એકબીજા સાથે રહેનારા અને કામ કરનારા કનોડિયા બ્રધર્સ અંતિમ સમયમાં પણ એકબીજાની સાથે ના રહી શકયા તેનું દુઃખ માત્ર તેમના પરિવારજનોને જ નહીં, પરંતુ તેમના લાખો-કરોડો ચાહકોને પણ છે.

ઉલ્લેખનીય છે કે, લકવાગ્રસ્ત મહેશ કનોડિયા છેલ્લા છ વર્ષથી પથારીમાં જ હતા અને નરેશ કનોડિયા તેમજ તેમના પરિવારજનો તેમનું ધ્યાન રાખતા હતા. મહેશ કનોડિયાની એકની એક દીકરી પૂજા કનોડિયાનું પણ ૨૦૧૫માં અવસાન થયું હતું. બે દિવસ પહેલા મહેશ કનોડિયાએ પણ ૮૩ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. જયારે ૭૭ વર્ષીય નરેશ કનોડિયા કોરોનાની સારવાર દરમિયાન આજે સવારે મોતને ભેટ્યા હતા.

(3:38 pm IST)