Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

હાથરસ કેસમાં સુપ્રિમનો મહત્વનો નિર્ણયઃ રાજયની બહાર ટ્રાન્સફર નહિ થાય ટ્રાયલ

હાલ મામલે સીબીઆઇ તપાસ કરી રહી છેઃ દરેક તપાસ પર હાઇકોર્ટની નજરઃ સર્વેલન્સની કોઇ જરૂર નથી

લખનૌ, તા.૨૭: ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા ગેંગરેપ કાંડને લઇને મંગળવારે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલ આ કેસના ટ્રાયલને રાજયમાંથી બહાર શિફિટ કરવાથી ઇનકાર કર્યો છે, સાથે જ કહ્યું છે કે જયારે કેસની તપાસ પૂરી થઇ જશે તે બાદ ટ્રાયલ બહાર ટ્રાન્સફર કરવા પર વિચાર કરવામાં આવી શકે છે.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે હાલ આ મામલે તપાસ સીબીઆઇ કરી રહી છે, તેવામાં તરત જ ટ્રાન્સફરની જરૂર નથી. અન્ય તમામ વસ્તુઓ પર હાઇકોર્ટની પણ નજર છે.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન યુપી સરકાર દ્વારા કરવામાં આવતા સોગંદનામાને સ્વીકાર કર્યુ. જેમાં પ્રદેશ સરકારે દાવો કર્યો હતો કે પીડિતાના પરિવાર, કેસ સાથે સંબંધિત સાક્ષીઓને પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. સાથએ જ કેસને સીબીઆઇ પાસે ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી.

જો કે કોર્ટે તેમ પણ કહ્યું કે તપાસ પર હાઇકોર્ટની નજર છે, તેવામાં સુપ્રીમ કોર્ટ તરફથી સર્વેલન્સની કોઇ જરૂર નથી. હાલ આ મામલે તપાસ થઇ રહી છે તેવામાં શરૂઆતના સ્ટેજમાં જ દિલ્હી અથવા કયાંય બીજે ટ્રાયલ ટ્રાન્સફર કરવા પર વિચાર ન કરી શકાય.

તમને જણાવી દઈએ કે ગયા મહિને ૧૪ સપ્ટેમ્બરના રોજ યુપીના હાથરસમાં દલિત યુવતી પર ગેંગરેપ થયો હતો, ત્યારબાદ ૨૯ સપ્ટેમ્બરના રોજ પીડિતાનું મોત નીપજયું હતું. પોલીસે મહિલાનો મૃતદેહ સળગાવી દેતા ઘણા વિવાદ થયા હતા, ત્યારબાદ આ મામલો હાઇકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

સુપ્રીમ કોર્ટે યુપી સરકારને પીડિત પરિવારને સુરક્ષા પૂરી પાડવા આદેશ આપ્યો હતો. જે બાદ રાજય સરકારે તેનું સોગંદનામું રજૂ કર્યું હતું. આ કેસની પ્રારંભિક તપાસ રાજય સરકાર દ્વારા રચિત એસઆઈટી દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે અને દરેક એંગલની તપાસ કરી રહી છે.

(3:39 pm IST)