Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

મોદીને ૨૦૦૨ તોફાનોમાં કલીન ચીટ આપતા મને પરેશાન કરવામાં આવ્યો

રાઘવને આત્મકથામાં કર્યો ખુલાસો

નવી દિલ્હી, તા.: ભૂતપૂર્વ સીબીઆઈ ડિરેકટર આર.કે. રાદ્યવન આ એ જ વ્યકિત છે જેમણે ૨૦૦૨ના ગુજરાત તોફાનો અંગે સીબીઆઈની તપાસ ટીમમાં આગેવાની કરી હતી અને તત્કાલીન સીએમ મોદીની પૂછપરછ પણ કરી હતી. હવે તેમણે પોતાની આત્મકથા દરમિયાન કેટલાક મોટા ધડાકા કર્યા છે. તેમણે પોતાની આત્મકથામાં આરોપ લગાવ્યો કે ગુજરાત તોફાનોમાં તત્કાલીન ગુજરાતના સીએમ નરેન્દ્રભાઇ મોદીને કલીન ચીટ આપતા તેમના વિરોધીએ મને ખૂબ જ પરેશાન કર્યો હતો.

પોતાની આત્મકથા 'અ રોડ વેલ ટ્રાવેલ્ડ'માં તેમણે ઘટસ્ફોટ કરતા કહ્યું કે 'તેમણે મારી સામે પીટિશન દાખલ કરી, તેમણે મારા પર સીએમની ફેવર કરવાનો આરોપ મૂકયો. જોકે આ બધા પાછળ મુદ્દાની વાત એ હતી કે તેમણે સેન્ટ્રલ એજન્સીનો ગેરઉપયોગ કરીને ટેલિફોનિક વાતચીત ટેપ કરી પરંતુ આ વાતચીતમાં તેમને કંઈ જ ગુનાપાત્ર ન મળતા તેઓ નારાજ હતા.'

ગુજરાતમાં કોમી રમખાણોમાં તત્કાલીન સીએમ મોદીની ભાગીદારીના આક્ષેપો અંગે તેમણે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવા માટે રચાયેલી SITનું નેતૃત્વ કર્યું હતું. તેમણે દાવો કર્યો છે કે તત્કાલીન મુખ્યમંત્રીની ભૂમિકા અંગે SITનું પક્ષપાત વગરનું સ્પષ્ટ વલણ તેમના વિરોધી લોકો માટે અનિચ્છનીય હતું. તેમણે આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ દ્વારા કરેલા દાવાઓનો પણ વિરોધ કર્યો છે, જેમણે આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રીએ, ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ ના રોજ મોડી રાતની સત્ત્।ાવાર મીટિંગમાં, બેઠકમાં ઉપસ્થિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓને હિંદુ લાગણીઓ છલકાઇ જાય તો દરમિયાનગીરી ન કરવા સૂચન કર્યું હતું. આ આરોપનો કોઈ સંબંધ ન હોવાનો એમ રાઘવને પુસ્તકમાં દાવો કર્યો હતો.

રાઘવને યાદ કર્યું હતું કે તપાસ દરમિયાન મોદીની પૂછપરછ એ એક મુખ્ય ઘટના હતી. 'એક સમયે અમે રાજયના વહીવટ વિરુદ્ઘ લગાયેલા આક્ષેપો અંગે મોદીને પૂછવું પડ્યું. અમે તેમના સ્ટાફને જણાવ્યુ હતું કે આ પૂછપરછ માટે તેમણે રૂબરૂમાં SIT ઓફિસમાં આવવાનું છે, અને અન્યત્ર તેમની સાથે મુલાકાત કરવી એ તરફેણમાં કરવામાં આવેલું ગેરવર્તન ગણાશે. તેઓ ગાંધીનગરમાં સરકારી સંકુલની અંદર આવેલી SIT ઓફિસમાં આવવા સંમત થયા હતા. રાઘવને કહ્યું હતું કે, તેમણે અસમાન્ય પગલું ભરતા SITના સભ્ય અશોક મલ્હોત્રાને પૂછપરછ કરવા કહ્યું હતું. ઘણા લોકો તેમના દૂર રહેવાના નિર્ણયથી વિચલિત થયા હતા. મોદીની પૂછપરછ નવ કલાક સુધી ચાલી. મલ્હોત્રાએ મને કહ્યું કે મોડીરાતે સમાપ્ત થયેલા આ સત્ર દરમિયાન મોદી કયારેય અશાંત જોવા મળ્યા નહોતા અને તેમણે પૂર્ણ સહકાર આપ્યો હતો. તેમણે કયારે પ્રશ્નોને ટાળ્યા નહોતા. તેમ રાઘવને પુસ્તકમાં કહ્યું.

કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીની વિધવા ઝાકિયા જાફરીએ સર્વોચ્ચ અદાલતમાં કરેલી અરજીનો સંદર્ભ આપતા રાઘવને કહ્યું હતું કે SITના પૂછપરછમાં મુખ્યમંત્રી દોષી હોવાના આક્ષેપને માન્યતા આપતા નથી.

(3:41 pm IST)