Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

પર્વતરાજ ગિરનાર પછી પર્વતની રાણી મસુરી ખાતે મોરારીબાપુની રામકથા

૩૧ તારીખે સાંજે ચાર વાગ્યાથી અને પહેલી તારીખે સવારના સાડા નવ વાગ્યાથી આસ્થા ચેનલ અને યુટ્યુબના માધ્યમથી શ્રોતાઓ કથા શ્રવણનો લાભ લઈ શકશે

હિમાલયની ગોદમાં સ્થિત, રમણીય પ્રાકૃતિક સૌંદર્ય અને આધ્યાત્મિક ઉર્જા ધરાવતા ઉત્તરાખંડનાં વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થાન મસુરીની ગિરિકંદરાઓમાં રામકથાની ચોપાઈઓ ગૂંજશે. પૂજ્ય મોરારીબાપુની તલગાજરડી વ્યાસપીઠ પરથી ૩૧ ઓક્ટોબર, શનિવારે શરદપૂર્ણિમા-જેને પૂજ્ય બાપુ 'રાસ-રાત્રિ' કહે છે - ના પ્રારંભ પહેલા, સાંજે ચાર કલાકે બાપુની વ્યાસપીઠની ૮૫૦ મી કથાનાં મંગલ ગાનનો શુભ પ્રારંભ થશે.

 

  કોરોનાના સંદર્ભમાં કેન્દ્ર સરકાર અને ઉત્તરાખંડ રાજ્ય સરકારની તમામ માર્ગદર્શક સૂચનાઓ અને નીતિ નિયમોનાં પાલન સાથે, પ્રશાસનની પૂર્વ મંજૂરીથી શ્રોતાઓની સંખ્યા નિશ્ચિત કરવામાં આવી છે. કથામાં જેમને પ્રત્યક્ષ શ્રોતા તરીકે ઉપસ્થિત રહેવાનું છે, તેમને સૂચના આપી દેવામાં આવી છે. એ સિવાયના અન્ય કોઈ શ્રાવકો કે ભાવકોએ કથામાં ઉપસ્થિત રહેવા માટે કોઈની સમક્ષ, કોઈ પ્રકારની પૂછપરછ ન કરવા વિનંતી કરવામાં આવી છે.
 કથાના નિમિત્તમાત્ર યજમાન શ્રી મદનલાલ પાલીવાલ તરફથી કથાના આયોજનને આખરી ઓપ આપી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે મોરારીબાપુના કુલ કથાક્રમની ૮૦૦મી કથાના યજમાન પણ શ્રી મદનભાઈ હતા. યોગાનુયોગ, ૮૫૦મી કથાના યજમાન બનવાનો અવસર પણ તેમને જ મળ્યો છે.
૩૧ તારીખે સાંજે ચાર વાગ્યાથી અને પહેલી તારીખે સવારના સાડા નવ વાગ્યાથી આસ્થા ચેનલ અને યુટ્યુબના માધ્યમથી શ્રોતાઓ કથા શ્રવણનો લાભ લઈ શકશે. નવરાત્રીનાં પાવન પર્વ પર, પર્વતરાજ ગિરનારના શિખર પરથી કથાગાન થયેલું. એની આધ્યાત્મિક ઉર્જાથી સભર વ્યાસ વાટિકાના ફ્લાવર્સને શરદપૂર્ણિમાથી પહાડોની રાણી મસુરી પરથી કથાશ્રવણનો લાભ મળશે. દિપાવલીનાં દિપોત્સવ પહેલાં જ કથા શ્રવણ રૂપે દિવાળીની એડવાન્સ ગિફ્ટ પૂજ્ય બાપુ દ્વારા આપવામાં આવી છે. વિશ્વભરના ૧૭૦ દેશના વ્યાસ વાટિકાનાં ફ્લાવર્સ ઉત્સુકતાથી શરદપૂર્ણિમાની રાહ જોઈ રહ્યા છે.

(6:58 pm IST)