Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

વ્યાજ માફીની રકમનું કેશબેક પાંચ નવેમ્બર સુધી જમા થશે

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું સોગંદનામુ : તમામ બેંકો અને નાણાંકીય સંસ્થાઓ આ રકમ જમા કરાવે એ પછી કેન્દ્ર પાસે વળતર ક્લેમ કરી શકશે

નવી દિલ્હી, તા. ૨૭ : સોમવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે ૫ નવેમ્બર સુધીમાં તમામ બેંકો અને નાણાં ધીરાણ સંસ્થાઓ તેમના રુ. ૨ કરોડ સુધીની લોન લેનાર ખાતાધારકોના ખાતામાં ૬ મહિનાના મોરાટોરિયમ પીરિયડના રિપેમેન્ટ માટેના ચક્રવૃદ્ધિ વ્યાજને જમા કરાવે અને ત્યારબાદ કેન્દ્ર સરકાર પાસે તેના વળતર માટે ક્લેમ કરે. નાણાં મંત્રાલયે એક સોગંદનામામાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે તમામ ધિરાણ આપતી સંસ્થાઓ નિર્દેશ આપ્યો છે કે યોજનાને અસરકારક બનાવવા માટે લોન ધારકોના સંબંધિત ખાતામાં યોજના મુજબ ગણતરી કરીને મળવા પાત્ર લાભની રકમ ૫ નવેમ્બર સુધીમાં જમા કરાવે.* સુપ્રીમ કોર્ટે સરકારને એમએસએમઈઓ સહિતના તમામ બે કરોડ રૂપિયાની લોન લીધેલા ગ્રાહકો માટે છ મહિનાની મુદત મુદત માટે વ્યાજ પરના વ્યાજ માફ કરવાના નિર્ણયને અમલમાં મૂકવા અંગેની યોજનાના મેકેનિઝમને સમજાવવા જણાવ્યું હતું. કેન્દ્રએ કહ્યું હતું કે લાભ તેવા દરેક લોકોને મળશે કે જેમણે મોરટોરિયમનો લાભ લીધો હોય કે પછી નિયમિત રીતે હપ્તા ભર્યા હોય અથવા આંશિક રીતે મોરાટોરિયમનો લાભ લીધો હોય.

મંત્રાલયે કહ્યું, "આ યોજના હેઠળ તમામ ધિરાણ આપનારી સંસ્થાઓ ૧ માર્ચથી ૩૧ ઓગસ્ટની અવધિ માટે લાભને પાત્ર લોન લેનારાઓના સંબંધિત ખાતામાં ચક્રવૃદ્ધિ વ્યાજ અને સરળ વ્યાજ વચ્ચેનો તફાવત જમા કરવાનો રહેશે. આ રકમ દરેક ધિરાણ આપતી સંસ્થાઓ દ્વારા જમા કરવામાં આવશે યોજના હેઠળ પછી લાભને પાત્ર લોન લેનારાઓએ મોરાટોરિયમનો સંપૂર્ણ લાભ લીધો હોય કે અંશત લાભ લીધો હોય કે પછી મોરરિયમનો લાભ લીધો ન હોય, તેમજ જેમણે હપ્તાની ચુકવણીમાં વહેલું મોડું કર્યું છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, વ્યાપક આર્થિક પરિસ્થિતી, લોન લેનારાઓના પ્રકાર, અર્થવ્યવસ્થા પર તેની અસર અને આવા અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને, લાભ આપવા માટે લોન લેનારાઓના નિર્ધારિત વર્ગને ધ્યાનમાં રાખીને, આ નિર્ણય કાળજીપૂર્વક વિચારણા પછી લેવામાં આવ્યો છે.

(9:11 pm IST)