Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ચીનની સામે ભારત સાથે અમેરિકા ઊભું છેઃ અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયો

ભારત અને અમેરિકા વચ્ચે ટૂ પ્લસ ટૂની વાટાઘાટ : ગલવાનમાં અથડામણમાં ૨૦ જવાનોની શહીદીનો ઉલ્લેખ કરી અમેરિકી વિદેશી પ્રધાને ચીન પર પ્રહાર કર્યા

નવી દિલ્હી, તા. ૨૭ : ભારત અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલી ૨ ૨ વાર્તા માટે ભારત આવેલા અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે, અમેરિકા ભારત તરફથી પોતાની અખંડતા માટે કરવામાં આવેલા પગલાંઓમાં તેની સાથે ઉભું છે. માઇક પોમ્પિયોએ અહીં જૂનમાં લદ્દાખની ગલવાન ખીણમાં હિંસામાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયાની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમેરિકા ભારતની સાથે ઉભું છે.

એક રિપોર્ટ પ્રમાણે, અમેરિકન વિદેશ મંત્રીએ કહ્યું કે, અમે દુનિયાની સૌથી મોટી લોકશાહી માટે પોતાનો જીવ આપનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે નેશનલ વૉર મેમોરિયલ ગયા. આમાં પીએલએની સાથે અથડામણમાં શહીદ થયેલા ૨૦ જવાન પણ છે. ભારતની અખંડતા અને સ્વંતંત્રતાના યુદ્ધમાં અમેરિકા તેની સાથે ઉભું છે. માઇક પોમ્પિયોએ પહેલા પણ ગલવાન ખીણ અથડામણને લઇને ચીન પર પ્રહાર કર્યા છે. તેમણે કેટલાક સમય પહેલા કહ્યું હતુ કે, ચીન વિસ્તારવાદની રણનીતિ અપનાવી રહ્યું છે અને આની વિરુદ્ધ ભારત ઉભું છે. જુલાઈમાં તેમણે હાઉસ ફૉરેન અફેર્સ કમિટીની કૉંગ્રેસમાં કહ્યું હતુ કે, ભારત અને ભૂટાનમાં ચીનની તાજેતરની ઘુસણખોરીની ઘટનાઓ તેના ઇરાદા જાહેર કરે છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ શી જિનપિંગના શાસનમાં ચીન એ જોવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે જો તે આવું કરે છે તો બીજા દેશો તરફથી તેને વિરોધ જોવા મળે છે કે નહીં.

ઉલ્લેખનીય છે કે માઇક પૉમ્પિયો અને અમેરિકન રક્ષા મંત્રી માર્ક ટી એસ્પર સોમવારના મહત્વની ટૂ પ્લસ ટૂ વાતચીત માટે ભારત પહોંચ્યા છે. આ વાતચીત દરમિયાન બંને દેશોએ રક્ષા ક્ષેત્ર અને સુરક્ષાના ક્ષેત્રમાં પરસ્પર સંબંધ વધારવા માટે અનેક મોટા કરાર કર્યા છે.

(9:12 pm IST)