Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

AstraZeneca શંકામાં ઘેરાયેલ ઓકસફોર્ડની રસીનું ફરી કરશે ટ્રાયલ

નવી દિલ્હી, તા.૨૭: ઓકસફોર્ડ યુનિવર્સિટી અને દવા કંપની એસ્ટ્રાજેનેકાની રસીની અસરકારકતાને લઈને ઉઠી રહેલા સવાલોની વચ્ચે કંપનીના સીઈઓ પાસ્કલ સોરિઓટે એલાન કર્યું છે કે તે દુનિયાભરમાં વધારાનું ટ્રાયલ કરાવી શકે છે. કોરોનાની રસીની અસરકારકતાને પરખવા માટે તેનો એક લોઅર ડોઝ આપી શકાય છે. કંપનીના અંતિમ ચરણમાં ટ્રાયલના પરિણામોને લઈને સવાલ ઉઠી રહ્યા છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ ઓકસફોર્ડની રસીના લોઅર ડોઝે ફુલ ડોઝની સરખામણીએ સારુ કામ કર્યુ છે. પાસ્કલે કહ્યું હવે અમને એવું લાગે છે કે આપણે સારી અસરકારક રસી મેળવી લીધી છે. અમારે તેની ખરાઈ કરવી પડશે. એટલા માટે અમારે એક વધારાનું અધ્યયન શરુ કરવું પડશે. તેમણે કહ્યું કે આ વધુ એક આંતરરાષ્ટ્રીય અધ્યયન હશે પરંતું આને ઝડપથી કરવું પડશે. અમને ઓછા લોકોની જરુર પડશે.

બીજી તરફ ઓકસફોર્ડ યુનિવર્સીટીની કોરોના રસીના ટ્રાયલના ડેટાને લઈને સવાલ ઉઠી રહ્યા છે. તેની વચ્ચે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ગુરુવારે કહ્યું કે રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત અને અસરકારક છે. તેમજ કહ્યું કે ભારતમાં આના ટ્રાયલના તમામ પ્રોટોકોલ્સનું પાલન કરવામાં આવી રહ્યું છે.

એવું એટલા માટે કેમ કે  જે વ્યકિતઓને આ રસીનો નાનો ડોઝ આપવામાં આવ્યો હતો તેને ૯૦ ટકા અસર થઈ હતી જયારે જેને આ રસીનો પૂરો ડોઝ આપવામાં આવ્યો તેના પર આ રસીની અસર ૬૨ ટકા સુધીની જ મપાઈ છે.  જેને લઈને સરેરાશ ૭૦ ટકા પ્રભાવી હોવાનો દાવો કરાઇ રહ્યો છે પરંતુ હવે આ દાવા પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.   એસ્ટ્રાજેનેકા કંપનીએ બુધવારે એક નિવેદનમાં આ વાત સ્વીકારી હતી કે ટ્રાયલ દરમિયાન કેટલાક લોકોને રસીના ડોઝ આપવામાં ભૂલ થઈ છે.  જો કે તેના કેટલાક દિવસો પહેલા કંપની અને ઓકસફોર્ડ યુનિવર્સિટીએ કહ્યું હતું કે પ્રાયોગિક રીતે આ રસી ખૂબ જ અસરકારક છે.

(10:30 am IST)