Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

૧૦-૧૦ મહિનાથી ધંધો ઠપ્પ હતો : હવે જીવ આવશે

શાળાઓ ખુલવાના નિર્ણયથી રૂ.૧૦૦૦ કરોડની સ્ટેશનરી-બુક -બેગની માર્કેટ ફરી ધમધમશે

આ ક્ષેત્ર પર નભતા હજારો કારીગરો-શ્રમિકોને ફરી રોજીરોટી મળશે

નવી દિલ્હી,તા. ૨૮: કોરોનાને લીધે છેલ્લા દસ મહિનાથી શાળા-કોલેજો બંધ હતી. હવે કોરોનાનું જોર ઘટતા સરકારે પહેલાં ધો. ૧૦ અને ૧૨ના કલાસ શરૂ કરાવ્યા અને હવે શાળાઓ શરૂ થાય તેવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં શાળાઓ અને કોલેજો ફરીથી શરૂ થઇ જશે. તેને પગલે પુસ્તકો, નોટ બુકસ, સ્કૂલ બેગ, વોટર બેગ, લંચ બોકસ, સ્કૂલ યુનિફોર્મ તથા સ્કૂલ શૂઝના ધંધા ફરીથી શરૂ થઇ જશે. આ ધંધા સાથે સંકળાયેલા લાખોને ફરીથી રોજીરોટી મળતી થશે. વર્ષે ૧૦૦૦ કરોડનો ધંધો કરતા ઉદ્યોગો ફરીથી ધમધમતા થશે.

કોરોનાને કારણે શાળા -કોલેજ સંકળાયેલા વેપાર-ધંધા ઠપ હતા. સ્કૂલ બેગના વેપારીઓ મહિનાઓથી ગ્રાહકોને રાહ જોતા બેસી રહ્યા છે. સ્કૂલરિક્ષા ચલાવનારાઓએ પણ બીજા ધંધા શરૂ કર્યા હોવાના સમાચારો સાંભળવા મળી રહ્યા છે.

હવે સરકારે ફરીથી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે તેથી આ ધંધા સાથે સંકળાયેલા વેપારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. સ્ટેશનરી વેપારીઓના સંગઠન સાથે સંકળાયેલા નરેશભાઇ શાહે જણાવ્યું હતુ કે જ્યાંથી શાળાઓ બંધ થઇ ત્યારથી સ્ટેશનરી ઉદ્યોગ તો લગભગ ઠપ થઇ ગયો છે. નોટબુકનું ઉત્પાદન કરતી ૫૦૦ થી વધારે કંપનીઓમાં પ્રોડકશન બંધ કરવું પડી રહ્યું છે. નોટબુક અને પુસ્તકો ઉપરાંત શાળાઓ ચાલુ હોય તો પેન, પેન્સિલ અને સ્ટેશનરી, સ્કૂલ બેગ, સહિતનો લગભગ ૧૦૦૦ કરોડનો ધંધો થતો હોય છે. જે હવે શાળાઓ ફરીથી શરૂ થતા સ્કૂલ સાથે સંકળાયેલા વેપાર-ધંધા ધમધમતા થશે. સ્કૂલ બેગ સહિતની બેગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા આશિષભાઇ દેસાઇના જણાવ્યા મુજબ જ્યારથી શાળાઓ બંધ થઇ ત્યારથી સ્કૂલ બેગનો ધંધો તો લગભગ ઠપ થઇ ગયો છે. હવે શાળાઓ ફરીથી શરૂ થતા ધંધો શરૂ થશે તેની સાથે સંકળાયેલા સંખ્યાબંધ લોકોને રોજીરોટી મળતી થશે.

સ્કૂલ શૂઝનો વેપાર કરતાં નિલેશભાઇ વોરાના જણાવ્યા મુજબ કોરોનાને લઇને ધંધા ખૂબ જ મંદા થઇ ગયા હતા. શાળાઓ બંધ હોવાથી સ્કૂલ શૂઝ વેચાવાના સદંતર બંધ થઇ ગયા હતા. હવે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે તેને કારણે આગામી દિવસોમાં ફરીથી ધંધો શરૂ થાય તેવી આશા છે. સ્કૂલ રિક્ષા અને સ્કૂલવાન સંગઠનના હોદ્દેદારો પણ શાળાઓ શરૂ થતા તેમને ફરીથી રોજગારી મળશે તેવી આશા રાખી છે.

(9:57 am IST)