Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

બજેટમાં કરદાતાઓને મળશે રાહત : ટેકસ છુટ વધશે

કરદાતાના હાથમાં વધુ પૈસા રહે તેવો રહેશે નાણામંત્રીનો પ્રયાસ : સ્ટાન્ડર્ડ ડીડકશનની લીમીટ ૫૦,૦૦૦થી વધારી ૮૦,૦૦૦ કરાશે : ૮૦-સી હેઠળ મળતી છુટનો દાયરો વધશે : વર્કફ્રોમ હોમ કરનારને વધુ રાહત મળશે

નવી દિલ્હી તા. ૨૮ : આવતા સપ્તાહે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજુ કરશે. કોરોના સંકટ વચ્ચે આ વખતના બજેટથી ઉદ્યોગથી માંડીને આમઆદમીને મોટી આશાઓ છે. સૂત્રોના જણાવ્યા મુજબ નાણામંત્રી આયકરની ધારાઓમાં કર છુટની મર્યાદા વધારીને કરદાતાઓના હાથમાં વધુ પૈસા પહોંચાડવાની તૈયારીમાં છે.

નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ નાણામંત્રી નવી કર વ્યવસ્થામાં પણ ડોનેશન હેઠળ ટેક્ષ છુટનો ફાયદો આપે તેવી સંભાવના છે. સાથે જ સ્ટાર્ન્ડડ ડિડકશનની મર્યાદા ૫૦ હજાર રૂપિયાથી વધારીને ૮૦ હજાર રૂપિયા કરાશે. એટલું જ નહી ૮૦-સી કે હેઠળ રોકાણ દ્વારા મળતી છુટનો દાયરો પણ ૫૦ હજાર વધારવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ નાણામંત્રી નવી ટેક્ષ વ્યવસ્થામાં પણ ૮૦જી હેઠળ મળતી ટેક્ષ છુટનો ફાયદો અપાવી શકે છે.

ગયા વર્ષે બજેટમાં વિકલ્પ તરીકે કરદાતાઓ માટે ઓછા દરના વ્યાજવાળા સ્લેબનું એલાન કરવામાં આવ્યું હતું પરંતુ આ સીસ્ટમમાં ૮૦જી સહિત મોટાભાગના ડિડકશન સમાપ્ત કરવામાં આવ્યા હતા. બજેટ બેઠક દરમિયાન ચર્ચા થઇ કે નવી કર વ્યવસ્થામાં ૮૦જી હેઠળ ડિડકશનને ફરી બહાલ કરવું જોઇએ. જે હેઠળ પીએમ નેશનલ રિલીફ ફંડ અને પીએમ કેયર્સમાં ૧૦૦ ટકા ટેકસ છુટ, સામાજીક - ધાર્મિક ચેરીટેબલ સંસ્થામાં ડોનેશન પર ૫૦ ટકા ટેકસ છુટની જોગવાઇ થઇ શકે છે. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ડીડકશન હેઠળ મળતી છૂટ ૮૦ હજાર કરવામાં આવે તેવી શકયતા છે.

સરકાર નિવેશને પ્રોત્સાહન આપવા માટે ૮૦સીનો દાયરો વધારી શકે છે. હાલ આ કલમ હેઠળ દોઢ લાખ રૂપિયાનો ફાયદો મળે છે. સરકાર તેને વધારીને બે લાખ કરી શકે છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે સરકાર બજેટમાં ઘરેથી કામ કરનાર કર્મચારીઓને ટેકસ છૂટનો લાભ આપવા પણ વિચાર કરે છે. આ પગલાથી બજારમાં માંગ વધવાની શકયતા છે. અત્રે એ નોંધનીય છે કે કોરોના કાળમાં વર્કફ્રોમ હોમ કલ્ચર વધ્યું છે તે જોતા સરકાર રાહત આપી શકે છે.

(11:30 am IST)