Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ટ્રેકટર રેલી હિંસા

FIR બાદ હવે કિસાન નેતાઓને મની લોન્ડ્રીંગનાં કેસમાં ફસાવવા તૈયારીઃ મળ્યુ છે જંગી ફન્ડીંગ

નવી દિલ્હી, તા. ૨૮ :. ગણતંત્ર દિવસ પર રાજધાની દિલ્હીમાં દેકારો મચાવનારા ખેડૂત નેતાઓ પર હવે મની લોન્ડ્રીંગનો સકંજો કસી શકે છે. દિલ્હી પોલીસની એફઆઈઆર પછી ઈડી મની લોન્ડ્રીંગ પ્રીવેન્શન એકટ હેઠળ કેસ નોંધવા બાબતે વિચાર કરી રહી છે. ઈડીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે બહુ જલ્દી દિલ્હી પાસેથી એફઆઈઆરની કોપી મંગાવવામાં આવશે. આ પહેલા એનઆઈએ દીપ સિદ્ધુ સહિત કેટલાક નેતાઓને પ્રતિબંધીત આતંકવાદી સંગઠનો પાસેથી ફન્ડીંગના આરોપમાં નોટીસ મોકલી છે.

ઈડીના અધિકારીએ કહ્યુ કે લગભગ બે મહિહનાથી ચાલી રહેલ કિસાન આંદોલન માટે દેશ-વિદેશથી મોટા પાયે ફન્ડીંગ કરાતુ હોવાની સૂચના છે. આંદોલન ફકત ખેડૂતો અથવા ગ્રામ્યજનોના ફન્ડીંગ પર નહોતુ ચાલતુ, સમસ્યા એ હતી કે કોઈ એફઆઈઆર વગર ઈડી આ ફન્ડીંગની તપાસ નહોતી કરી શકતી. મની લોન્ડ્રીંગ હેઠળ એફઆઈઆર નોંધવા માટે કોઈ બીજી એજન્સી દ્વારા એફઆઈઆર નોંધાવી જરૂરી હોય છે. હવે જ્યારે દિલ્હી પોલીસે ખેડૂત નેતાઓ વિરૂદ્ધ એફઆઈઆર નોંધી છે ત્યારે ઈડી માટે મની લોન્ડ્રીંગનો કેસ નોંધવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

ઈડીના આ અધિકારી અનુસાર ઈડી દિલ્હી પોલીસમાં નોંધાયેલ એફઆઈઆરના વિશ્લેષણ પછી પણ મની લોન્ડ્રીંગનો કેસ નોંધવાનો નિર્ણય લેશે. પહેલા એ જોવામાં આવશે કે પોલીસે કઈ કઈ કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને તેમા કેવા આરોપો લગાવાયા છે, ત્યાર પછી કાનૂની સલાહ લેવામાં આવશે. તેમણે કહ્યુ કે આ પ્રક્રિયા બહુ જલ્દી પુરી કરીને કેસ નોંધવાનો પ્રયાસ કરાશે.

ખરેખર તો, કિસાન આંદોલન સાથે જોડાયેલા નેતાઓને પ્રતિબંધીત આતંકવાદી સંગઠનો તરફથી ફન્ડીંગની એનઆઈએ પહેલાથી જ તપાસ કરી રહી છે. આ બાબતે ૧૫ ડીસેમ્બરે એફઆઈઆર નોંધાયા પછી એનઆઈએ એ દિપ સિદ્ધુ સહિત ઘણા લોકોને પૂછપરછ માટે નોટીસ મોકલી હતી. આ નોટીસ ફકત એવા લોકોને જ મોકલાઈ હતી. જેમના ખાતામાં વિદેશોમાંથી ફન્ડ આપ્યુ હતુ. કિસાન નેતાઓ તેને આંદોલનને નબળુ પાડવાનું સરકારનું ષડયંત્ર ગણાવતા હતા, પણ ઈડી જો મની લોન્ડ્રીંગનો કેસ નોંધશે તો દરેક પ્રકારના ફન્ડીંગની તપાસ કરશે અને તેના સ્ત્રોત અને વપરાશ સંપૂર્ણ માહિતી ચકાશસે. સ્પષ્ટ છે કે ખેડૂત નેતાઓ માટે ઈડીના સવાલોના જવાબ દેવા સરળ નહીં હોય.

(1:07 pm IST)