Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

નેતાઓ વચ્ચે તિરાડ, ઘરે પાછા ફરી રહ્યા છે ખેડૂતો

કિસાન આંદોલન માટે આગામી બે દિવસ બહુ મહત્વપૂર્ણ

નવી દિલ્હી, તા.૨૮: છેલ્લા બે મહિનાથી ચાલી રહેલ કિસાન આંદોલનના ભવિષ્ય માટે આગામી બે ત્રણ દિવસો બહુ મહત્વના છે. ગણતંત્ર દિવસની હિંસા પછી એક બાજુ કિસાન નેતાઓ વચ્ચે તિરાડ ઉભી થઇ છે તો બીજી તરફ દિલ્હીની વિભીન્ન બોર્ડરો પર જમા આંદોલનકારીઓની સંખ્યા ઘટવા લાગી છે. જો આગામી એક બે દિવસમાં આંદોલનકારીઓની સંખ્યા વધુ ઘટશે તો કિસાન સંગઠનો માટે સરકાર પર દબાણ ઉભુ કરવાનું મુશ્કેલ બની જશે.

ઉલ્લેખનીય છે કે આંદોલનકારીઓની સંખ્યા ઘટવા અને નેતાઓ વચ્ચે મતભેદો સામે આવવાના કારણે જ સરકાર તરફથી ગણતંત્ર દિવસની હિંસા પર કોઇ પ્રતિક્રિયા નથી આવી રહી. સરકાર ઇચ્છે છે કે આંદોલન આંતરિક વિરોધોના કારણે જાતે જ નબળું પડી જાય.

હિંસા પછી ભાજપા અને સરકારમાં અલગ અલગ કેટલાય તબક્કાની મીટીંગો થઇ. બુધવારે કેબીનેટ મીટીંગમાં પણ કિસાન આંદોલનની ચર્ચા થઇ. એ જ દિવસે ગૃહપ્રધાન અમિતભાઇ શાહે ગૃહ સચિવ, આઇ બી ચીફ સહીતના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ કરી. સુત્રો અનુસાર બુધવારે ગૃહપ્રધાન અને કૃષિ પ્રધાન વચ્ચે પણ આંદોલન બાબતે વાતચીત થઇ હતી.

કિસાન આંદોલન માટે એક ફેબ્રુઆરીની સંસદ માર્ચ લીટમસ ટેસ્ટ સાબિત થશે. ગણતંત્ર દિવસ પર થયેલી હિંસાના કારણે સરકાર તરફથી આ માર્ચને પરવાનથી મળવાની કોઇ શકયતા નથી દેખાતી. આ ઉપરાંત બે મહિનાથી દિલ્હીની બોર્ડરો પર જમા થયેલા ખેડૂતોની સંખ્યામાં બુધવારે ઘટાડો જોવા મળ્યો છે. જો ઘરવાપસીનો આ સિલસિલો ચાલુ રહ્યો તો કિસાન સંગઠનો સરકાર પર પહેલા જેવું દબાણ નહીં ઉભુ કરી શકે.

(1:09 pm IST)