Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

દેશમાં કોરોનાના વિચિત્ર કેસઃ ૪ સપ્ટેમ્બરે પ્રથમ વખત સંક્રમિત થઇ મહિલાઃ સતત ૩૨મો રીપોર્ટ પોઝીટીવ

પાંચ મહિનાથી કોરોના સામે લડે છેઃ ડોકટરો પણ ગોટે ચડયા

જયપુર, તા.૨૮: રાજસ્થાનના ભરતપુર શહેરમાં આશ્રમમાં રહેતી મહિલા છેલ્લા ૫ મહિનાથી કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે. શારદા દેવી નામની આ મહિલાનો વધુ એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પહેલીવાર ૪ સપ્ટેમ્બરે કોરોના વાયરસથી સંક્રમિત થયેલા શારદા દેવીનો બુધવારે ૩૨જ્રાટ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. પાંચ મહિનાથી કોરોનાના સંક્રમણ સામે લડી રહેલી આ મહિલા કોવિડ-૧૯થી છૂટકારો કેમ નથી મેળવી શકતી, આ વાતને લઈને ડોકટર્સ પણ ચિંતામાં પડી ગયા છે. જોકે હજુ સુધી આ મહિલાને વધુ સારી સારવાર માટે જયપુર મોકલવાનો નિર્ણય લેવામાં નથી આવ્યો.

જાણકારી મુજબ, શારદા દેવીના માતા-પિતાનું નિધન થઈ ગયું હતું અને સાસરીયાઓએ પણ દ્યરેથી કાઢી મૂકી હતી. ૪ સપ્ટેમ્બરના રોજ પહેલીવાર તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી મહિલાને હજી સુધી ચેપથી છૂટકારો નથી મળ્યો. છેલ્લા પાંચ મહિનામાં ૩૨ પરીક્ષણો કરવામાં આવ્યા છે, અને તમામ પોઝિટિવ આવ્યા છે. જે ડોકટરો તેમની સારવાર કરી રહ્યા છે તેઓ પણ હેરાન છે કે, સારવારના તમામ સંભવિત પ્રયાસો પછી પણ ચેપ નાબૂદ થયો નથી. મળતી માહિતી મુજબ સારવાર અને કેસની સારી તપાસ માટે મહિલાને હવે ભરતપુરથી જયપુર રિફર કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ મહિલાને એલોપથી, હોમિયોપેથી અને આયુર્વેદિક દવાઓ પણ આપવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે તે હવે સંપૂર્ણ સ્વસ્થ અનુભવી રહી છે. તેમનું વજન પણ ૩૦ થી ૩૮ કિલો વધી ગયું છે. જયપુર સવાઈ માનસિંહ હોસ્પિટલના માઇક્રોબાયોલોજી નિષ્ણાત ડો.પ્રદીપ કુમાર કહે છે કે સતત પોઝિટિવ રહેવાના બે કારણો હોઈ શકે છે, જેમાં પ્રથમ તો દર્દીની ઈમ્યુનિટી ઓછી અને બીજુ મ્યુકોઝા એટલે (નાક પટલ)માં વાયરસ સંગ્રહિત હોય.

અપના ઘર આશ્રમના ડિરેકટર ડો.બી.એમ. ભારદ્વાજના કહેવા પ્રમાણે, શારદા દેવીના માતા-પિતાનું નિધન થયું હતું. સાસરિયાઓ પણ ઘરેથી કાઢી મૂકી હતી. ત્યારબાદ મહિલાને 'અપના ઘર' આશ્રમમાં રાખવામાં આવી હતી. પરંતુ તે પછી તેની કોરોનાની તપાસ થઈ હતી. ત્યારે ૪ સપ્ટેમ્બરના રોજ તેનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પહેલા ૨૨મી જાન્યુઆરીએ સુધીમાં તેમની ૩૧ વાર તપાસ કરવામાં આવી છે. તેમ છતાં તેના તમામ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે, જે ચિંતાજનક છે.

ડો.બી.એમ. ભારદ્વાજે કહ્યું કે સતત પાંચ મહિના સુધી કોરોના પોઝિટિવ બન્યા બાદ ડોકટર પણ આશ્ચર્યચકિત છે અને હવે મહિલાને જયપુર મોકલવાની તૈયારી ચાલી રહી છે. જેથી તેને ત્યાં સારી સારવાર મળી શકે. આ રોગને કારણે સ્ત્રીનું વજન પણ સતત વધી રહ્યું છે.

(3:06 pm IST)