Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

કોહલી, તમન્ના અને વર્ગીસને કેરળ હાઇકોર્ટની નોટીસ

ઓનલાઇન ગેમ રમી ૨૧ લાખનું દેણુ થઇ જતાં યુવકે આત્મહત્યા કરીઃ ઓનલાઇન જુગારની ગેમ ઉપર પ્રતિબંધ લગાડવા માંગ

 નવીદિલ્હી, તા.૨૮, કેરળ હાઈકોર્ટેએ અરજી પર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી, અભિનેત્રી તમન્ના ભાટિયા અને રાજય સરકારને નોટિસ ફટકારી છે જેમાં રાજયમાં ઓનલાઈન જુગાર પર પ્રતિબંધ લગાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ એસ.મણિકુમારના વડપણ હેઠળ એક ખંડપીઠે કોહલી ઉપરાંત મલાયલમ અભિનેતા અજુ વર્ગીઝને પણ નોટિસ આપી છે.આ ત્રણેય કલાકારો ઓનલાઈન રમી ગેમના બ્રાન્ડ એમ્બેસેડર છે.

અરજીકર્તા પાઉલી વડક્કને આરોપ લગાવ્યો કે રાજયમાં ઓનલાઈન જુગારનો ખતરો વધતો જ જઈ રહ્યો છે અને સૌથી પહેલાં તેનો શિકાર મધ્યમ અને ઓછી આવક ધરાવતાં લોકો થઈ રહ્યા છે જેઓ સરળતાથી પૈસા કમાવા માંગે છે. અરજીકર્તાએ કહ્યું કે રાજયભરમાં અનેક એવા મામલાઓ આવ્યા છે જેમાં લોકોએ ગોટાળાઓ કર્યા છે.

તિરુવનંતપુર જિલ્લાના કટ્ટકડામાં રહેતા ૨૮ વર્ષીય યુવકે કરેલી આત્મહત્યાનો ઉલ્લેખ કરતાં અરજીકર્તાએ કહ્યું હતું કે મૃતક ઓનલાઈન રમી ગેમની જાળમાં ફસાઈ ગયો હતો જેના કારણે તેને ૨૧ લાખ રૂપિયાનું દેણું થયું હતું. અરજીમાં કહેવાયું છે કે કોહલી, તમન્ના અને વર્ગીઝ સહિત જાણીતી હસ્તીઓના સમર્થનવાળો આ મંચ પોતાના દર્શકોને કથિત રીતે ખોટા વાયદાઓથી આકર્ષિત કરે છે જયારે વાસ્તવમાં આ પ્રકારની જીતની સંભાવના અત્યંત ઓછી છે અને આ પ્રકારે ગેમ લોકોને મૂરખ બનાવી રહી છે.

 અરજીમાં કાયદો બનાવીને આવી ઓનલાઈન જુગારની ગેમ ઉપર પ્રતિબંધ લગાવવા અથવા તેને નિયમિત કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે જેને મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, લેપટોપ અને અન્ય સંચાર ઉપકરણો સહિત ઈલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીને ઓનલાઈન આયોજિત કરવામાં આવે છે.

(3:08 pm IST)