Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

કર્ણાટકમાં રાજકીય સમીકરણ બદલાયા : ભાજપને મળ્યો જેડીએસનો સાથ : કોંગ્રેસ પક્ષ એકલો પડ્યો

વિધાનસભામાં માત્ર 13 સભ્યો હોવા છતાં અધ્યક્ષ પદ JDS ને આપવા નિર્ણય

બેંગ્લુરુ : કર્ણાટકમાં રાજકીય સમીકરણો બદલાયા છે. સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષમાં રહેલ જનતા દળ સેક્યુલર (JDS )ના એકબીજા સાથે હાથ મિલાવતા જ કોંગ્રેસ પક્ષ એકલો પડી ગયો છે. જોકે ભાજપે તેની કિંમત ચૂકવવી પડશે. વિધાનસભામાં માત્ર 13 સભ્યો જ હોવા છતાં અધ્યક્ષ પદ ભાજપે JDS ને આપવાનો નિર્ણય કર્યો છે. એકબીજાને જરાય પસંદ ના કરતા JDS ના કુમારસ્વામી અને ભાજપના દિગ્ગજ નેતા યેદિરુપ્પાએ એકબીજા સાથે હાથ મિલાવી લીધા છે. યેદુરપ્પાને પછાડીને જ કુમારસ્વામીએ સરકાર બનાવી હતી.

યેદિરુપ્પા સરકારના મંત્રી એસ. ઈશ્વરપ્પાએ કહ્યું કે,'ભાજપે નિર્ણય કર્યો છે કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગને દૂર રાખવા માટે બીજા પક્ષોને સાથે લાવવામાં આવશે.જેના ભાગરુપે અમે જેડીએસને સાથે લાવ્યા.' જોકે JDS અને ભાજપ એકસાથે કેટલા સમય રહેશે તે સમય જ જણાવશે કારણ કે 2006માં પણ બંને પક્ષો સાથે આવ્યા હતા. ત્યારે યેદુરપ્પાના સમર્થનમાં કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા. હવે બંને પક્ષ વિધાન પરિષદના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી મુદ્દે સાથે આવવાનો નિર્ણય કર્યો છે. જે માટે ગત મહિને મારામારી થઈ હતી.

આ જોડાણમાં રસપ્રદ વાત એ છે કે, 13 સભ્યોવાળા JDS ને ચેરમેન પદ અને 31 સભ્યોવાળા ભાજપને વાઈસ ચેરમેન પદ મળશે તેવો નિર્ણય લેવાયો છે. આ કારણે 29 બેઠકોવાળા કોંગ્રેસ સાઈડલાઈન થઈ જશે. આ મુદ્દે કોંગ્રેસના નેતા કૃષ્ણા બૈરેએ જણાવ્યું કે,'અગાઉ પણ બંને પક્ષ સાથે રહ્યાં છે. JDS પોતાને સેક્યુલર ગણાવે છે પરંતુ વાસ્તવમાં આમ નથી.' આ સાથે યેદિરુપ્પાએ એક કાંકરે ઘણા શિકાર કર્યા છે. તેમણે બળવો કરવાના ચક્કરમાં રહેલા નેતાઓને સંકેત આપ્યો કે, જો તેઓ પક્ષ છોડી પણ દે તો પણ તેમની સરકારને જોખમ રહેશે નહીં. આ સાથે કોંગ્રેસ પક્ષ પણ વિપક્ષમાં હવે એકલો પડી ગયો છે.

(11:56 pm IST)